- મૂળ કેરળના સુરતમાં રહેતા પરિવારના 3 સભ્યોનો કોરોનો પોઝિટિવ આવ્યો
- પ્રથમ પતિ અને પછી પત્ની અને પુત્રી પોઝિટિવ આવ્યા હતા
- ત્રણેય કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા હતા
સુરત :મૂળ કેરળ રાજ્યના એલેપ્પી નગરના નિવાસી અને સુરતમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી ઓમન કુટ્ટન, પત્ની અંબીલી અને પુત્રી આર્યા સાથે પાંડેસરા વિસ્તારમાં રહે છે. આ પરિવારના તમામ સભ્યો કોરોનાગ્રસ્ત થયા હતા. આ પરિવાર કોરોનાના કહેરથી હોસ્પિટલના બિછાને આવી પડ્યો હતો.
પુત્રી આર્યાનો પણ રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો
50 વર્ષીય ઓમનભાઈને તારીખ 22 એપ્રિલે ન્યુમોનિયા થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તથા સારવાર હેઠળ હતા. તે સમય દરમિયાન તેમના પત્ની અંબીલીબહેન પણ તારીખ 27મીએ કોરોના પોઝિટિવ આવ્યા હતા. શ્વાસ લેવામાં સમસ્યા હોવાથી તેમને સિવિલમાં દાખલ કરાયા હતા. અધૂરામાં પૂરુ તેમની પુત્રી આર્યાનો પણ રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. વધુ તકલીફ ન હોવાથી તેણે હોમ ક્વોરન્ટાઈન રહી સારવાર મેળવી હતી.
આ પણ વાંચો : 105 વર્ષીય દેવંતી દેવી અને કોરોના સામેની લડાઇ, મહામારી સામે જીતની ગાથા
માતા-પુત્રી પણ કોરોનાગ્રસ્ત આવ્યા હતા
અંબીલીબહેને જણાવ્યું હતુ કે, બમરોલી હેલ્થ સેન્ટરમાં દાખલ થયા ત્યારે તપાસ દરમિયાન પતિનો પણ કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ન્યુમોનિયા તો હતો. પરંતુ કોરોના થતા પરિવાર પર ગ્રહણ લાગ્યું હોય એવું લાગ્યું હતું. સારવાર માટે તેમને તારીખ 30મી એપ્રિલના રોજ સિવિલમાં રિફર કરાયા હતા. એક બાજુ સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહેલા પતિની ચિંતા અને બીજી બાજુ અમે માતા-પુત્રી પણ કોરોનાગ્રસ્ત હોવાથી શું કરવું તેવું કંઈ સુઝતું ન હતું.