- 30મી ઑક્ટોબરના રોજ બાઇક ચાલકને આંતરી ચલાવી હતી લૂંટ
- એક આરોપી જિલ્લા LCB અને બે આરોપી બારડોલી પોલીસે પકડ્યા
- 3 આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર
બારડોલી : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ભટલાવ ગામની સીમમાં મોટરસાઇકલ ચાલકને આંતરી અને માર મારી લૂંટ ચલાવનાર એક શખ્સને સુરત જિલ્લા LCB તેમજ SOG ટીમે સંયુક્ત કાર્યવાહી કરી માંગરોળ તાલુકાનાં લવેટથી વાંકલ તરફ જતાં રોડ ઉપરથી ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બે આરોપીઓને બારડોલી પોલીસે ધરપકડ કરી હતી. હજુ પણ ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી કુલ 25 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
કેરળના વ્યક્તિને પકડી લૂંટ ચલાવી
પલસાણા તાલુકાના ચલથાણ ગામની શિવ સાઈ રેસિડેન્સીમાં રહેતા અને મૂળ કેરળના ત્રિવેન્દ્રમપૂરમ જિલ્લાના વેલુસામી તંગવેલ ચલથાણ ખાતે રહેતા પ્રેમકુમાર રંગાસ્વામીની ફાયનાન્સ ઓફિસમાં નોકરી કરે છે. તેઓ ગત 30મી ઑક્ટોબરના રોજ પોતાની સાથે કામ કરતાં સદામ જાહિર હુસેન સાથે બારડોલી માંડવી તરફ ઉઘરાણી માટે નીકળ્યા હતા. સાંજે ત્રણ વાગ્યાના સુમારે તેઓ મઢીથી ઉઘરાણીનું કામ પતાવી કડોદ તરફ જઇ રહ્યા હતા તે સમયે નાની ભટલાવ ગામ નજીક તેમની મોટર સાયકલને ઓવરટેક કરી ત્રણ અજાણ્યા શખ્સોએ તેમની મોટર સાયકલને આંતરી લૂંટ ચલાવી હતી. અને ત્રણેય શખ્સોએ સદામના ખિસ્સામાંથી ઉઘરાણીના રૂ. 20 હજાર રોકડા અને રૂ. 5000ની કિંમતનો મોબાઇલ ફોન કાઢી મોટર સાયકલ લઈને કડોદ તરફ નાસી છૂટ્યા હતા.