- વડાપ્રધાન વીમા સુરક્ષા યોજના અંતર્ગત 21,000 કરતા વધારે ફોર્મ ભરાયા
- આહીર સમાજની ત્રણ લાખ કરતા વધારે વસ્તી ધંધાર્થે સુરતમાં વસવાટ કરે છે
- કોવિડ સેન્ટર ઉભું કરી અંદાજે 1,100 દર્દીઓની વિના મુલ્યે સેવા કરી
સુરત :વડાપ્રધાન વીમા સુરક્ષા યોજના અંતર્ગત ભરાયેલા 21,000 ફોર્મનું પ્રીમિયમ આહીર સમાજના અગ્રણી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રધાન રઘુ હુંબલ દ્વારા ભરવામાં આવશે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતમાં આહીર સમાજની ત્રણ લાખ કરતા વધારે વસ્તી ધંધાર્થે વસવાટ કરે છે. સુરત ખાતે માહામારીના સમયમાં આહીર સમાજ દ્વારા કોવિડ સેન્ટર ઉભું કરીને તમામ સમાજના અંદાજે 1,100 દર્દીઓની વિના મુલ્યે સેવા કરી છે.
વિવિધ આગેવાનોનું આહીર સમાજ દ્વારા સન્માન કરાશે
મંગળવારના રોજ આયોજિત કાર્યક્રમમાં આહીર સમાજના યુવા અને ઉત્સાહી આગેવાન અને ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ આહીર તેમજ સુરત શહેર પ્રમુખ આદરણીય નિરંજનભાઈ ઝાંઝમેરાનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ જીલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મહત્વની જવાબદારી સંભાળતા વિવિધ આગેવાનોનું પણ આહીર સમાજ દ્વારા સન્માન કરવામાં આવશે.
આ વાંચો :જેતપુરમાં આહીર સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો
250 લોકોએ ઘરે-ઘરે જઇને ફોર્મ ભરવાની કામગીરી કરી
નુતન વર્ષના થોડા દિવસો બાદ વડોદરા ખાતે અકસ્માત બનેલ દુર્ઘટનામાં સુરત ખાતે રહેતા 12 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને ધ્યાને લઇ પરિવારની સાથે આર્થિક રીતે મદદરૂપ થવાની ભાવનાથી આહીર સમાજે આ કાર્ય કરવાની પ્રેરણા મળી હતી. વડાપ્રધાન વીમા સુરક્ષા યોજના દ્વારા સમાજના છેવાડાના માણસ સુધી પહોંચવા માટે 250 લોકોએ ઘરે-ઘરે સુધી પહોંચી રૂપિયા 2 લાખનું વીમા કવચ પૂરું પાડવા માટે આ યોજનાના ફોર્મ ભરવાની કામગીરી કરી હતી.