વૈશ્વિક કારણોસર સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગ પર ખાસી અસર જોવા મળી રહી છે. વર્ષ 2012 પછી સૌથી ઓછું પોલિશ્ડ ડાયમંડનું એક્સપોર્ટ વર્ષ 2019માં થયું છે. જ્યારે ડિમાન્ડ ઓછી રહેવાના કારણે રફ ડાયમંડનું એક્સપોર્ટ 2019માં 17 ટકા સુધી ઘટી ગયું હતું. નવેમ્બર 2019માં અમેરિકાનું પોલિશ્ડ ડાયમંડનું એક્સપોર્ટ 19 ટકા અને બેલ્જિયમમાં 11 ટકા ઘટ્યું છે.
હીરા ઉદ્યોગમાં ભારે મંદીઃ 2019માં પોલિશ્ડ ડાયમંડનું એક્સપોર્ટ 16 ટકા ઘટ્યું, 2012 પછી સૌથી ઓછું 2019માં ઈમ્પોર્ટ-એક્સપોર્ટમાં થયેલા ઘટાડાનો આંક
- પોલિશ્ડ ડાયમંડનું એક્સપોર્ટ 16 ટકા
- ડાયમંડનું ઈમ્પોર્ટ 11 ટકા
- રફ ડાયમંડનું ઈમ્પોર્ટ 17 ટકા
નાણાંકીય વર્ષ 2019- 20 માટે ભારત સરકારે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ લક્ષ્યાંક 70 બિલિયન યુએસ ડોલર રાખ્યો છે. આ લક્ષ્યાંક 43 ટકાને પણ પાર થાય તેવી શક્યતા ઓછી છે. આ વચ્ચે સુરત હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક રત્નકલાકારો બેરોજગારી અને આર્થિક સંકળામણના કારણે ટેકસ્ટાઇલ અને અન્ય ઉદ્યોગોમાં નોકરી કરવા માટે વિવશ થઇ ગયા છે.
સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઈના જણાવ્યા મુજબ, કેટલાક રત્નકલાકારોએ હીરા ઉદ્યોગો છોડીને ટેકસટાઇલ અને જરી જેવા ઉદ્યોગમાં નોકરી કરી રહ્યા છે.