ઓલપાડના દરિયાકિનારે તણાઈ આવેલી 20 ફૂટ લાંબી વ્હેલ માછલીએ આખરે દમ તોડ્યો સુરત :ઓલપાડ તાલુકાના છેવાડાના મોર ગામે રવિવારે બપોરના બે વાગ્યા બાદ અરબી સમુદ્રની મોટી ભરતીના પાણીમાં એક વહેલ માછલીનું અંદાજે 20 ફૂટ કરતાં મોટું જીવતું બચ્ચું તણાઇ આવ્યું હતું. ભરતીના પાણીમાં મોર ગામના કિનારે આવી પહોંચેલું બચ્ચું ભરતીના પાણી ઓસરતા સાથે દરિયામાં પરત થવાને બદલે કાદવમાં ફસાઈ ગયું હતું. તે પાણી ઓસર્યા બાદ પણ દરિયા કિનારે રહી ગયું હતું.
વ્હેલનું બચ્ચું તણાઈ આવ્યું : દરિયામાં માછીમારી કરવા જતાં મોર ગામના યુવાનોએ સાંજે ઘરે પરત આવતી વખતે દરિયા કિનારા પર કાડુમાં વહેલ માછલીનું જીવતું બચ્ચું જોયું હતું. તેઓએ આ બાબતે ગામના આગેવાનો અને યુવાનોને જાણ કરી હતી. ત્યારે ગ્રામજનોમાં કુતૂહલ સર્જાવા સાથે વહેલ માછલીના બચ્ચાને જોવા ગ્રામજનોની ભીડ જામી હતી.
દરીયાકિનારે ફસાઈ વ્હેલ : દરિયાની ભરતીના પાણી ઓસરી જવાથી કિનારે ફસાયેલ માછલીનું જીવતું બચ્ચું પાણીના અભાવે જીવ બચાવવા વલખાં મારી રહ્યું હતું. ત્યારે ગામના યુવાનોએ માછલીના બચ્ચા પર સતત પાણીનો છંટકાવ કરી જીવ બચાવી લેવાની પ્રાથમિક કામગીરી કરી હતી. ઉપરાંત આગળની વધુ કામગીરી માટે વન વિભાગ અને નેચર ક્લબ સુરતની મદદ લેવામાં આવી હતી. મોડી સાંજે દરિયા કિનારે વન વિભાગના અધિકારીઓ સાથે નેચર ક્લબના કાર્યકરોએ આવી પહોંચ્યા હતા. તેઓએ ભેગા મળી દરિયામાં અંદર જઈને એન કેન પ્રકારે બચ્ચાને દરિયામાં ઊંડા પાણીના વહેણમાં પરત મોકલવા મહેનત કરી હતી.
આ વ્હેલ માછલીનું રેસ્ક્યું ઓપરેશન 24 કલાકથી વધુ ચાલ્યું હતું. અમારી વન વિભાગની ટીમ અને સૌ સ્થાનિકોના સહકાર થકી દરિયામાં 800 મીટર જઈને ઊંડા પાણીના વહેણમાં વ્હેલ માછલીને છોડવામાં આવી હતી. ત્યારે ગત મોડી રાત્રે વ્હેલ માછલી મૃત હાલતમાં મળી હતી. સંબંધિત અધિકારીઓ અને સ્થાનિકોની હાજરીમાં વ્હેલ માછલીને દફનાવી દેવામાં આવી હતી. 48 કલાક ખોરાક વગર રહ્યા હોવાના કારણે વ્હેલ માછલીનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે. -- સચિન ગુપ્તા (સુરત જિલ્લા નાયબ વન રક્ષક)
બચાવ કામગીરી : જોકે, આ કામગીરીમાં સફળતા ન મળતા અંતે મોડી રાત્રે જેસીબીની મદદથી દરિયાના કિનારા પર મોટો ખાડો ખોદી તેમાં મોટર વડે દરિયાનું પાણી ભરવામાં આવ્યું હતું. વ્હેલ માછલીના બચ્ચાને તેમાં રાખવામાં આવ્યું હતું. સોમવારે બપોર બાદ ભરતીના પાણી આવે ત્યારે કામગીરી કરવાનો નિર્ણય લેવાયો હતો.
વ્હેલને મળ્યું નવજીવન : સોમવારની બપોરે 12 વાગ્યા બાદ ફરી દરિયામાં ભરતીના પાણી આવતા નેચર ક્લબના 15 તથા જંગલ વિભાગના 10 કર્મચારી અને ગામના 20 જેટલા યુવાનો મળી કુલ 45 જેટલા લોકોએ ફરી એક પ્રયાસ કર્યો હતો. તેઓએ એક મોટી બોટ સાથે દોરડું બાંધી માછલીના બચ્ચાને સાવચેતી પૂર્વક દરિયામાં લઈ જવાની સફળ કામગીરી કરી હતી. વહેલ માછલીના બચ્ચાનો જીવ બચાવવા સાથે હેમખેમ દરિયામાં પરત મોકલવા 40 થી વધુ યુવાનો ખડે પગે રહી 24 કલાક મહેનત કરી માનવતા મહેકાવી હતી.
આખરે માસુમ મોતને ભેટ્યું : પરંતુ ગત મોડી રાત્રે ફરી વ્હેલ માછલી દરિયાના કિનારે તણાઈ આવી હતી. જેને લઇને વન વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક લોકો સ્થળ પર દોડી ગયા હતા. વ્હેલ માછલીની તપાસ કરતા તેનું મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે વ્હેલ માછલીનું મોત થયા રાત દિવસ એક કરી બચાવવાના પ્રયાસો કરનાર લોકોમાં હાલ શોક પ્રસરી ગયો હતો.
- Surat Whale Fish: ઓલપાડના દરિયા કિનારે તણાઈ આવેલ 20 ફૂટ લાંબી વહેલ માછલીના બચ્ચાને બચાવવા ગ્રામજનોની મથામણ
- અમેરિકાની માછલી વલસાડની ઔરંગા નદીમાંથી મળી આવતા લોકોમાં કુતુહલ