આ સમગ્ર ઘટનામાં 130થી વધુ બાળકોને બાળમજૂરીથી મુક્ત કરાવાયા છે. 20થી વધું લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉદયપુરમાં આદિવાસી જાતિનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારના બાળકોને મોટી સંખ્યામાં બાળમજૂરી માટે અવારનવાર ગુજરાતમાં લાવવામાં આવતા હોય છે.
ગુજરાતના 'ટેક્સટાઇલ હબ' ગણાતા સુરતમાં બાળમજૂરીના રેકેટનો પર્દાફાશ - સુરત પોલીસ
સુરત: બાંધણી માટે જાણીતા સુરત શહેરમાં પોલીસે બાળમજૂરીનું એક રેકેટ ઝડપી પાડ્યું છે. સાડીઓના કારખાનામાં બાળકો પાસે મજૂરી કરાવાતી હતી. આ અંગે ઉદયપુર જિલ્લા વહીવટી તંત્ર, બાળ સંરક્ષણ આયોગ અને જિલ્લા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં 20થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
"બાળપણ બચાવો અભિયાન" અંતર્ગત બાળ સંરક્ષણ આયોગ રાજસ્થાન, ઉદયપુર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની અધિકારીઓની 20 લોકોની ટીમ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી આ બાળમજૂરો પર નજર રાખી રહી હતી. જેમાં કામ કરતા બાળમજૂરો પૈકીના મોટાભાગના ઉદયપુર જિલ્લાના હોવાનું માલુમ પડ્યું હતું.
આ કાર્યવાહીમાં ગુજરાત પોલીસનો પણ સહયોગ મળતા સુરતના જુદા જુદા વિસ્તારોમાં ચાલતી સાડીની ફેક્ટરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 130થી વધુ બાળકોને છોડાવવામાં આવ્યા છે અને બે ડઝનથી પણ વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બાળકોને ઉદયપુર મોકલવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. અચાનક થયેલી આ કાર્યવાહીને પગલે સુરતના કારખાના માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે.