- સાબરકાંઠામાં યુવા કોંગ્રેસ પ્રદેશ સંગઠનની યોજાઈ બેઠક
- રોજગાર તેમજ યુવા નેતૃત્વને પ્રાધાન્ય
- જૂથવાદ છોડી એક રૂપ થવા હાકલ
સાબરકાંઠાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે સાબરકાંઠાના હિમતનગર ખાતે યુવા કોંગ્રેસ પ્રદેશ સંગઠનની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી સમયમાં નગરપાલિકાથી લઇને મહાનગરપાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની તમામ બેઠકો કબજે કરવા માટે હાકલ કરવામાં આવી છે. સાથોસાથ મોટાભાગની બેઠકો ઉપર યુવા નેતૃત્વને ટિકિટ આપી રોજગારીના મુદ્દે છેવાડાના વ્યક્તિ સુધી જવા માટેની રજૂઆત કરાઈ છે. એક તરફ કોંગ્રેસમાં વિવિધ જૂથવાદ હવે ચરમસીમાએ છે, ત્યારે તમામ જૂથવાદ દૂર કરી એકરૂપ થઈ સંગઠનની તાકાત બતાવી જીત મેળવવા કરાયેલો પ્રયાસ આગામી સમયમાં કેટલો પ્રભાવી સાબિત થાય છે એ સમય બતાવશે.
સાબરકાંઠાના હિંમતનગરમાં યુવા કોંગ્રેસની યોજાઇ બેઠક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ એડીચોટીનું લગાવશે જોર
ગુજરાત વિધાનસભાની તાજેતરમાં પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસની હાર થઈ હતી, ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત મેળવવા માટે સંગઠનની તાકાત કામે લગાવી છે. જે અંતર્ગત હિંમતનગર ખાતે ગુજરાત પ્રદેશ યુવા પ્રભારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત મેળવવા એડીચોંટીનું જોર લગાવી રહી છે.
સ્થાનિક કક્ષાએ યુવા નેતૃત્વને પ્રાધાન્ય અપાશે
કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત મેળવવા માટે રોજગારીના મુદ્દો છેવાડાના વ્યક્તિ સુધી લઈ જવા માટે વિશેષ રજૂઆત કરવામાં આવી છે. સાથોસાથ યુવા નેતૃત્વને મજબૂત કરવા તેમજ સ્થાનિક કક્ષાએ યુવા નેતૃત્વને પ્રાધાન્ય આપવા રજૂઆત કરાઇ છે. તેમજ સંગઠનની તાકાતમાં પણ યુવાનોને આગળ લાવવા પ્રયાસ કરાશે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની થઈ રહેલી હારને લઈ આ વખતે હારને જીતમાં બદલવા માટે કોંગ્રેસ દ્વારા રોજગાર અને યુવા શક્તિને પ્રાધાન્ય અપાશે. તેમ કોંગ્રેસ પ્રદેશ સંગઠન પ્રભારી એ જણાવ્યું હતું.
સાબરકાંઠાના હિંમતનગરમાં યુવા કોંગ્રેસની યોજાઇ બેઠક