ગુજરાત

gujarat

ETV Bharat / state

ટાવર હોવા છતા પણ નેટવર્ક માટે તરસતા હિંમતનગરના ગામડાઓ, ડિજિટલ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકાર તરફ - thirsting for the tower network

એક તરફ કોરોના મહામારીને પગલે શૈક્ષણિક સંસ્થાઓ ઓનલાઇન શિક્ષણ આપતા થયા છે. જો કે, ગુજરાતમાં કેટલાક એવા પણ ગામડા છે જ્યા આજે પણ નેટવર્ક નથી. આજે પણ સાબરકાંઠાના હિંમતનગરથી 25 કિલોમીટર દૂર આવેલા ખાપરેટા, માકડી, મેડીટીંબા સહિતની ચાર ગ્રામ પંચાયતોમાં મોબાઇલ ટાવર હોવા છતાં કોઈપણ પ્રકારનું નેટવર્ક ન આવતા સ્થાનિકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. નેટવર્ક વગર વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ પણ અધ્ધરતાલે થયું છે.

himmatnagar
himmatnagar

By

Published : Jul 8, 2020, 5:04 PM IST

સાબરકાંઠાઃ આજે પણ ડિજિટલ યુગની વાત કરતા સરકારને શરમાવે તેવી વાત સામે આવી છે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા 10,000થી વધુ વસ્તી ધરાવતું ગામ જે ગામ આજે પણ મોબાઇલ નેટવર્કના અભાવને કારણે ખુબ હાલાકી ભોગવી રહ્યા છે.

સાબરકાંઠાના હિંમતનગરથી 25 કિલોમીટર દૂર આવેલા ખાપરેટા, માકડી, મેડીટીંબા સહિત 4 ગ્રામ પંચાયતો આવેલી છે. આ ગ્રામ પંચાયતો 10,000થી વધુની જનસંખ્યા સામે BSNLનો એકમાત્ર ટાવર છે. જો કે, આ ટાવર પણ બંધ હાલતમાં હોવાને કારણે હવે સ્થાનિકો અને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીને પગલે તમામ શિક્ષણ મોબાઇલ તેમજ ટીવી મારફતે આપવાનું નક્કી કરાયું છે. તેમજ જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી પણ તમામ શિક્ષકોને જગ્યાએ મોબાઈલથી વિવિધ વિષયોનું જ્ઞાન ઓનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત કરાઈ છે. તેમજ ઓનલાઇન શિક્ષણ માટે પાયાની જરૂરિયાત નેટવર્કની હોય છે. જો કે, 10,000ની વસ્તી તેમજ 4 ગ્રામ પંચાયતો વચ્ચે નાખવામાં આવેલા BSNLનો એકમાત્ર ટાવર પણ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાને પગલે વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકો માટે નેટવર્ક ન હોવું તે ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે.

છતાં ટાવરે નેટવર્ક માટે તરસતા હિંમતનગરના ગામડાઓ

આ મામલે ગ્રામ પંચાયતથી લઈ સ્થાનિક ધારાસભ્યથી સુધી રજૂઆતો કરાઇ હોવા છતાં આજદિન સુધી આ મામલે કોઇ ઠોસ કામગીરી થઇ શકી નથી. આ સાથે જિલ્લાના મુખ્ય મથકથી માત્ર 25 કિ.મી.ના અંતરે આટલી મોટી સમસ્યા પેદા થવા છતાં હજૂ સુધી વહીવટી તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર પગલા લેવાયા નથી. એક તરફ ઓનલાઇન શિક્ષણ થકી વિદ્યાર્થીઓને વિવિધ વિષયોનું પાયાનું જ્ઞાન મળી રહે તેમજ શિક્ષકની હાજરી વિના પણ શિક્ષણ સંભવ બને તે માટે થઈ રહેલા પ્રયાસો આ વિસ્તારના લોકો માટે નિરર્થક છે.

સ્થાનિક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનું માનવું છે કે, આ વિસ્તારમાં મોબાઇલ ટાવર પર નેટવર્કની શરૂઆત થાય તો અભ્યાસની સાથે સાથે અન્ય ઇમરજન્સી સેવાઓમાં પણ ફાયદો થઇ શકે તેમ છે. જેમાં સ્થાનિક ગ્રામ પંચાયતથી લઈ ખેડૂતોના ખેતીલક્ષી કામકાજો તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસની બાબતો મહત્વની બની રહી છે.

10,000થી વધારે વસ્તી ધરાવનારા આ વિસ્તારમાં 4 ગ્રામ પંચાયતો થકી તમામ લોકોએ તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં આવેલા એકમાત્ર ટાવરની શરૂ કરવા માટે વિવિધ જગ્યાએ રજૂઆતો કરી છે. તેમ જ વહીવટી તંત્રને પણ આ મામલે જાણ કરી હોવા છતાં હજૂ સુધી આ મામલે કોઈ જાગૃતતા આવી નથી. નેટવર્ક ન હોવાને પગલે સ્થાનિક ગ્રામજનો તેમજ ખેડૂતોને પાયાની જરૂરિયાત સમાન 7-12 અને 8-અના ઉતારા મેળવવા પણ અન્ય ગામે જવું પડે છે. ઓનલાઇન મળતા શિક્ષણમાં પણ નેટવર્ક ન આવવાથી વિદ્યાર્થીઓ રમતમાં સમય પસાર કરી રહ્યા છે.

આ મામલે ગંભીરતા દાખવવામાં આવે તો નેટવર્ક વિનાના આ વિસ્તારમાં પારાવાર હાલાકીનો સામનો કરી રહેલા લોકોને સરળતાથી સમસ્યા દૂર કરી શકાય તેમ છે. એક તરફ કોરોના મહામારીમાં ઇમરજન્સી સેવાઓ માટે મોબાઈલની તાતી જરૂરિયાત હોય છે. ત્યારે આ વિસ્તારમાં બંધ નેટવર્કના પગલે મોબાઈલ માત્ર શોભાના ગાંઠિયા બની રહ્યા છે. સ્થાનિકો હજારો રૂપિયાનું રિચાર્જ કરાવી છે, પરંતું નેટવર્ક વિના તેમના પૈસા પાણીમાં જાય છે. આ સાથે ઈમરજન્સીના સમયે હાથવગું બની રહે તો મોબાઈલ માત્ર રમત રમવા કામ લાગતો હોય તેમ નિરર્થક સાબિત થાય છે. જો કે, વહીવટી તંત્ર દ્વારા આ મામલે ગંભીરતા દાખવવામાં આવે તો સ્થાનિકોને ઘણો લાભ મળી શકે તેમ છે.

સ્થાનિક શાળાઓમાં તેમજ આસપાસની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું માનીએ તો નેટવર્ક ચાલુ કરવામાં આવે તો આ વિસ્તારના હજારો બાળકોને ફાયદો થઇ શકે તેમ છે. તેમજ કોરોના મહામારી અંતર્ગત ઓનલાઇન શિક્ષણ પદ્ધતિથી તેમનો અભ્યાસ પણ વધી શકે તેમ છે. જો કે, પારાવાર સમસ્યાઓમાં પીસાતા રહેલા આ વિસ્તારના લોકોને ડિજિટલ ક્રાંતિ સમાન ટાવર તો મળી ચૂક્યા છે, પરંતુ નેટવર્ક થકી 21મી સદીનો અહેસાસ ક્યારે મળશે એ તો સમય બતાવશે.

ABOUT THE AUTHOR

...view details