- વિલાસપુર ગામ બન્યું હતું કેન્સરગ્રસ્ત
- એક વર્ષ અગાઉ એક સાથે 10 કેન્સરના કેસ નોંધાયા હતા
- સ્થાનિક કક્ષાએ એક વર્ષ બાદ પણ કોઇ કાર્યવાહી નહીં
- વહીવટીતંત્ર સામે સ્થાનિકોમાં રોષ
સાબરકાંઠાઃ આજે ગુરૂવારે વિશ્વ કેન્સર દિવસ છે, ત્યારે એક વર્ષ અગાઉ સાબરકાંઠાના પ્રાંતિજના વિલાસપુર ગામે એક સાથે 10થી વધારે કેન્સરના કેસ આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ સર્જાયો હતો. જોકે, એક વર્ષ પછી પણ ગામની હાલત જેવી હતી તેવી જ રહેતા ગામમાં ભયનો માહોલ યથાવત છે. એક વર્ષમાં વહીવટી તંત્ર દ્વારા કોઈ ઠોસ કામગીરી ન થતા ગ્રામજનોમાં રોષ પણ યથાવત છે.
છેલ્લા એક વર્ષમાં આ ગામમાં આરોગ્ય વિભાગ સહિત સરકારમાંથી ચોક્કસ કામગીરીનો અભાવ
વિલાસપુર ગામે એક વર્ષ પહેલા એક સાથે 10 કેન્સરના દર્દીઓ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ખળભરાત સર્જાયો હતો. સાથો સાથ ગ્રામજનોમાં પણ આ મામલે વહીવટી તંત્ર સામે રોષનો માહોલ સર્જાયો છે. છેલ્લા એક વર્ષમાં આ ગામમાં આરોગ્ય વિભાગ સહિત સરકારમાંથી ચોક્કસ કામગીરીનો અભાવ રહેતા ગ્રામજનોને કેન્સર થવા માટેનું કયું કારણ જવાબદાર હતું તે હજી સુધી જાણી શકાયું નથી. જેના પગલે એક વર્ષ પછી પણ ગામ ભયના ઓથાર હેઠળ જીવે છે.
વહીવટી તંત્ર દ્વારા આ મામલે ચોક્કસ પગલાં લેવાની કરાઈ માંગ
આ ગામ અન્ય ગામડાઓની જેમ ખેતી અને પશુપાલન ઉપર આધારીત હોવાની સાથોસાથ કોઈપણ કેમિકલ ફેક્ટરી થી દૂર છે, તેમજ ગામમાં એકસાથે આટલા બધા કેસ હોવા છતાં તમામ દર્દીઓ વ્યસનથી દૂર રહેતા હોય તેને પણ કેન્સર થતાં ગામમાં ભય ફેલાયો છે. આજે એક વર્ષ પછી પણ ગામમાં વહીવટી તંત્ર દ્વારા તપાસ સર્વે તેમજ ચોક્કસ રિપોર્ટ ન કરતા ગ્રામજનો તંત્રથી નારાજ છે, જોકે પોતાના સ્વજનો ગુમાવી ચૂકેલા ગ્રામજનોમાં કેન્સરનું કારણ જાણવાની તીવ્ર ઈચ્છા યથાવત છે. આ મામલે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા આ મામલે ચોક્કસ પગલાં લેવાય તે અમારી માંગ છે. એક તરફ કોરોના મહામારી દિન પ્રતિદિન વધતી જઇ રહી છે તેમ જ સમગ્ર વિશ્વ પાસે જેનું સમાધાન શક્ય ન હતું તેવા સમયે સંજોગે ભારતની સ્વદેશી બનાવટની કોરોના વેક્સિને કોરોના ઉપર માત મેળવી છે, ત્યારે કેન્સર મામલે હજુ સુધી ચોક્કસ નિરાકરણ લાવવા માં વહીવટી તંત્ર નિષ્ફળ નીવડી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ મામલે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, જે તે સમયે મુલાકાત કરી ચોક્કસ રિપોર્ટ કરાયો છે તેમજ આગામી સમયમાં જરૂરિયાત પડે તો ફરીથી મુલાકાત કરી વધુ કાર્યવાહી કરવામાં આવશે.
આરોગ્ય અધિકારી રાજેશ પટેલ ગ્રામજનોમાં આજે પણ ભય યથાવત
વિલાસપુર ગામે એક સાથે 10 થી વધારે કેન્સરના કેસ આવ્યાં હતા જેને એક વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. જો કે, આ મામલે હજુ સુધી કેન્સર થવા માટે સૌથી મહત્વનું મૂળભૂત કારણ જાણી શકાયું નથી. જેના પગલે ગ્રામજનોમાં આજે પણ ભય યથાવત રહ્યો છે. સાથોસાથ અન્ય ગામડાઓની જેમ આ ગામમાં પણ કુદરતી વાતાવરણ સાથે ખેતી અને પશુપાલનના વ્યસાય સાથે જોડાયેલા લોકોમાં કેન્સર થવા માટે વિશેષ કોઈ કારણ જણાયું નથી ત્યારે તંત્ર સામે પણ રોજ યથાવત છે.
વિલાસપુર ગામ કેન્સરગ્રસ્ત