સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મામલતદારે આ યોજનાનો લાભ ન મળતો હોવાની રજુઆત કરતા સરકારી ગોડાઉનના મેનેજર તેમજ કોન્ટ્રાકટરને નોટિસ ફટકારતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે. જેમાં વર્ષ 2016-17 ના પ્રથમ સત્રનો માલ-સામાન હાલ વિતરણ કરવામાં આવી રહ્યો છે. જ્યારે 2017-18 અને 2018-19 નો માલ સામાનની ફાળવણી બાકી છે. માત્ર ખેડબ્રહ્મા તેમજ પોશીના તાલુકાની વાત કરવામાં આવે તો, 94 શાળાઓ પૈકી માત્ર 18 શાળાઓમાં જ અનાજની ફાળવણી કરવામાં આવી છે. સ્થાનિક મામલતદાર આ યોજના માટે ગોડાઉન મેનેજર તેમજ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી ખૂલાસો માંગી રહ્યો છે.
જો કે, આ મામલે જિલ્લા પુરવઠા અધિકારીનો સંપર્ક કરતા તેમણે સમગ્ર માલસામાન નિયત સમયે પહોંચતો હોવાની વાત કરી હતી. આ યોજના અંતર્ગત સરકારી ચોપડે તમામ માલ સામાનની ફાળવણી પણ થઈ ગઈ છે અને તે માટે સરકારી ગોડાઉન તેમજ કોન્ટ્રાક્ટર તરફથી પ્રમાણપત્ર પણ આપી દેવામાં આવ્યું છે. જિલ્લા તંત્ર પાસે છેલ્લા ત્રણ વર્ષના આંકડા મેળવતા ત્રણ વર્ષ પહેલાં જ તમામ માલ સામાનની ફાળવણી થયાનું તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા માલસામાન પહોંચાડી દેવામાં આવ્યું હોવાનું સર્ટી પણ આપી દેવાયું છે. આટલું મોટું કૌભાંડ થયા બાદ પણ 'સબ સલામત હૈ' ના નારા ગુંજી રહ્યા છે. ત્યારે સત્ય ક્યારે બહાર આવશે તે પણ એક પ્રશ્ન છે.