સાબરકાંઠા જિલ્લામાં આજે એક અનોખા લગ્નનું આોયજન કરવામાં આવ્યું હતું. શરીરે પીઠીના રંગ....ખભે તલવાર...માથે સાફો...હાથમાં 70 વર્ષની કન્યાનો હાથ અને સાત ભવ સાથે રહેવાના સોગંધ સાથે આજે પોશીના તાલુકાના માલવાસમાં રહેતા 75 વર્ષીય ગમાન સોલંકીએ રાજસ્થાનના રાજપુર ગામની 70 વર્ષીય વણઝારી દેવી પારધી સાથે પ્રભુતામાં પગલા માંડ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ નવ-પરિણીત યુગલ 60 વર્ષથી લીવ ઇન રીલેશનશીપમાં રહે છે. હાલમાં તેમને 3 દીકરી અને 6 દીકરા સહીત કુલ 9 સંતાનો છે.
એક વિવાહ ઐસા ભી...60 વર્ષથી લીવ ઈનમાં રહેતા આ દંપતીએ હવે કેમ કર્યા લગ્ન? જાણો વિગતે... - Gujarati news
સાબરકાંઠાઃ આધુનિક યુગમાં ભારતીય યુવાવર્ગમાં લગ્ન પ્રત્યેનો પ્રતિસાદ ઘટી રહ્યો છે અને યુવાઓ આજે લીવ ઈન રીલેશનશીપમાં રહેવા લાગ્યા છે. પરંતુ આજે આપણે એક એવા યુગલની વાત કરીએ છીએ જેઓ 60 વર્ષ લીવ ઈન રીલેશનશીપમાં રહ્યા બાદ આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આ સંબંધથી આજે આ યુગલને 9 સંતાન પણ છે.
સાથે સાથે આ સંતાનોના ઘરે પણ સંતાનો છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે આ યુગલ એક ઘરમાં સાથે તો રહેતું હતું, પણ તેમના સબંધને લગ્નનું નામ અપાયું ન હતું. ત્યારે હાલમાં ઘરની પરિસ્થિતિ આર્થિક રીતે સદ્ધર થતા આજે લગ્ન લેવાયેલા. આ યુગલના પૌત્રો અને પૌત્રીઓ તો મનમુકીને આ લગ્નમાં નાચ્યા અને મોજ કરી હતી.
બીજી બાજુ જાણકારોના મતે વધામણાની માનતા પૂર્ણ કરવા માટે આ લગ્ન યોજાયા હોવાનું સ્થાનિક અગ્રણીઓએ જણાવ્યું હતું. વાત ગમે તે હોય પણ જીવનની આથમતી સંધ્યાએ આ યુગલના સબંધને એક નામ મળ્યું તેની ખુશી આ બંનેના ચહેરા પર તો ખરી પણ તેમના વારસદારોના ચહેરા પર પણ ઝલકતી જોવા મળતી હતી.