- હિંમતનગર એપીએમસી માર્કેટ મગફળીથી ઊભરાયું
- 700થી વધારે ખેડૂત મગફળી સાથે માર્કેટમાં ઉમટ્યા
- સરકારના ટેકાના ભાવથી પણ વધુ ભાવ મળતા ખેડૂતો ખુશ
સાબરકાંઠા: સમગ્ર ગુજરાતમાં હાલના તબક્કે મગફળીનું ઉત્પાદન તેમજ વેચાણ શરૂ થતાં સાબરકાંઠાના હિંમતનગર એપીએમસી માર્કેટ યાર્ડમાં (Himmatnagar APMC) આજે એક સાથે 700થી વધારે વાહનોથી ઉભરાઈ ચૂક્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરેલા ટેકાના ભાવથી વધુ ભાવ મળતા હોવાના પગલે ખેડૂત આલમમાં ખુશીનો માહોલ છવાયો છે. જોકે ક્યાંક કેટલાક ખેડૂતોને હજુ પણ વધારે ઊંચા ભાવની લાલસા યથાવત છે .
શરુઆતના તબક્કે ભાવ 1600 બોલી ગયો
એપીએમસી માર્કેટમાં છેલ્લા ત્રણ દિવસથી દિન-પ્રતિદિન મગફળીની (Groundnut Crop) આવક વધી રહી છે જેમાં આજે એકસાથે 700થી વધારે વાહનો મગફળી લઇ માર્કેટ યાર્ડ (Himmatnagar APMC) આવતા એક કિલોમીટર દૂર સુધી વાહનોની કતારો જોવા મળી હતી. મગફળીની જાહેર હરાજીમાં પણ ખેડૂતોને ટેકાના ભાવ કરતાં વધુ ભાવ મળતા ખુશીનો માહોલ છવાયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે મગફળીનો ભાવ 1110 નક્કી કરી કરતાં લાખોની સંખ્યામાં ખેડૂતોએ રજિસ્ટ્રેશન (Groundnut registration) પણ કરાવ્યું છે ત્યારે શરૂઆતના તબક્કામાં જ મગફળીનો ભાવ 1600થી વધારે બોલાઈ જતા હવે ખેડૂતો જાહેર હરાજીમાં મગફળી આપવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. સાથોસાથ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલા ભાવથી પણ વધારે ભાવ જાહેર હરાજીમાં મળતો હોવાના પગલે આગામી સમયમાં હજુ પણ મગફળી સાથેના વાહનોની કતારો વધે તો નવાઈ નહીં.