- મોંઘીદાટ ગાડીઓના માલિકોને કિલોમીટર દીઠ વધુ પૈસા આપવાની લાલચ આપીને ગાડીઓ લેતો હતો
- ગાડીઓના બારોબાર સોદા થઈ જતા માલિકો દ્વારા વિવિધ પોલીસમથકોમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી
- પોલીસે 78 લાખથી વધુનાં મુદ્દામાલ સાથે એકને ઝડપ્યો, અન્ય બે સાગરિતોની શોધખોળ શરૂ
સાબરકાંઠા: જિલ્લા પોલીસે છેલ્લા કેટલાક સમયથી મોંઘીદાટ ગાડીઓની છેતરપીંડી કરનારા નેટવર્ક ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. જે અંતર્ગત હાલમાં સાબરકાંઠા પોલીસને મળેલી બાતમીના આધારે નિલેષ પંચાલ નામનાં યુવકની અટકાયત કરી તેની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં તેણે ગુનો કબૂલ કરતાં પોલીસે 10 મોંઘીદાટ ગાડીઓ સાથે તેની અટકાયત કરી હતી અને 78 લાખથી વધારે મુદ્દામાલ કબજે કર્યો હતો.
સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસે છેતરપિંડી મામલે ગુનેગાર ઝડપ્યો
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મોંઘીગાટ ગાડીઓની ચોરી થવાનાં કિસ્સાઓ નોંધાઈ રહ્યાં હતા. જેથી જિલ્લા પોલીસે વિવિધ જગ્યાએ નેટવર્ક મજબૂત કરતા બાતમીના આધારે કિલોમીટર દીઠ વધુ ભાવ આપવાની લાલચે મોંઘીદાટ ગાડીઓને તેના મૂળ માલિક પાસેથી લઈને બારોબાર વેચનાર શખ્સને ઝડપી પાડ્યો છે. નિલેષ પંચાલ નામનાં વ્યક્તિએ 10 જેટલા મોંઘીદાટ ગાડીઓ ધરાવનારા વાહન ચાલકોને કિલોમીટર દીઠ વધુ ભાવ આપવાનું નક્કી કર્યુ હતું. જેમાં હાલના તબક્કે ચાલી રહેલા ભાવ કરતાં વધુ ભાવ આપી મોંઘીદાટ ગાડીઓને તેણે બારોબાર વેચી નાંખી હતી. સૌથી મહત્વની બાબત એ છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે કહેવત અનુસાર વધુ પૈસા મેળવવાની લાલચમાં 10 જેટલા વાહનચાલકોને પોતાની ગાડીઓ ગુમાવવાનો વારો આવ્યો હતો.
અન્ય કોઈ પણ જો છેતરાયું હોય તો સંપર્ક કરવા પોલીસનો અનુરોધ
સાબરકાંઠા જિલ્લા પોલીસે બાતમીના આધારે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી છેતરપિંડી કરનારી ગેંગ ને મુદ્દામાલ સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ સ્થાનિક જનતાને પણ અપીલ કરી છે કે, આ મામલે કોઈ અન્ય લોકો પણ છેતરાયા હોય તો સાબરકાંઠા જિલ્લા પોલીસનો સંપર્ક કરી તાત્કાલિક ધોરણે ન્યાય મેળવવાના મામલે સહયોગ આપવા અપીલ કરાઇ છે. જોકે, હાલ પૂરતા સમગ્ર ગેંગ પૈકી માત્ર એક વ્યક્તિની અટકાયત થઈ છે. તેમજ અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. જોકે આગામી સમયમાં આ મામલે હજુ પણ વધુ ખુલાસા થઇ શકવાની પૂર્ણ સંભાવનાઓ છે. ત્યારે જોવું એ રહે છે કે સાબરકાંઠા જિલ્લા પોલીસ આ મામલે આરોપી સુધી પહોંચી કેટલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળ રહે છે?