ડૂબમાં ગયેલી જમીનની સંઘર્ષકથા સાબરકાંઠા : સામાન્ય રીતે વનવાસી વિસ્તારમાં સ્થાનિક સમસ્યાઓ સહિત લોકોને ન્યાયની અપેક્ષામાં ખૂબ રાહ જોવી પડતી હોય છે. સાબરકાંઠાના પોશીના તાલુકાના લાખીયા તળાવ પાસેના નવા સોનગઢ ગામના રામાભાઇ ડાભી છેલ્લા 60 વર્ષથી ન્યાયની અપેક્ષાએ ખેડબ્રહ્માથી ગાંધીનગર સુધી તમામ સ્તરે વારંવાર ન્યાય મેળવવા રજૂઆતો કરી ચૂક્યા છે. દાયકાઓથી ચાલી રહેલી આ સમસ્યાને લઇને ઇટીવી ભારતે આખા મામલાની ઝીણવટભરી તપાસ કરી હતી.
તળાવના ખોદકામથી ડૂબમાં ગઇ જમીન :આ વાત 60 વર્ષ પહેલા શરુ થઇ હતી જ્યારે દુષ્કાળમાંથી રાહત આપવા માટે તળાવના ખોદકામની શરૂઆત કરવામાં આવી હતી. રામાભાઇ ડાભીની પોતાની જ જમીન તળાવના ડૂબ વિસ્તારમાં જતા વહીવટી તંત્ર દ્વારા જે તે સમયે જમીન તેમજ વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે આજે 60 વર્ષે પણ તેઓ જમીન અને વળતર વિહોણાં જ છે. ન્યાય ઝંખતા યુવક હવે વૃદ્ધ બની ચૂક્યાં છે પણ સંઘર્ષ આજે પણ યથાવત છે. રજૂઆતો માટે રઝળપાટ છતાં છ દાયકા બાદ કોઈ ન્યાય ન મળતા તેમની જ જમીનમાં બનાવાયેલા તળાવમાં પરિવારસહ આત્મહત્યા કરવાની ચીમકી આપી રહ્યાં છે.
આ પણ વાંચો Rajkot Crime : રાજકોટમાં વાવડી ગામમાં કરોડોનું જમીન કૌભાંડ ઢાંકવા કરાઈ દસ્તાવજોની ચોરી?
60 વર્ષની કાયદાકીય લડાઇ : સાબરકાંઠાના પોશીના તાલુકાના લાખીયા પાસે આવેલા નાની સોનગઢ ગામે રામાભાઇ ડાભી છેલ્લા 60 વર્ષથી તળાવમાં ગયેલી જમીન મામલે વળતર કે વૈકલ્પિક જમીન ન મળતા ગ્રામ પંચાયતથી ગાંધીનગર સુધી કાયદાકીય લડાઈ લડતા થાકી ગયાં છે. રામાભાઇ ડાભી હવે આત્મવિલોપન કરવાની છૂટ આપવાની માંગણી કરી રહ્યા છે.
ફાઈલોના તોસ્તાન વચ્ચે ડાભી પરિવારને ન્યાયની ઝંખના શું હતો મામલો : સાબરકાંઠાના પોશીના તાલુકાના નાની સોનગઢ ગામે 1962 માં લાખીયા તળાવ આવેલું હતું. 1972માં સ્થાનિક વિસ્તારમાં સર્જાયેલા દુષ્કાળની પરિસ્થિતિમાં લાખીયા તળાવને ઊંડું કરવા સહિત પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે તળાવ બાંધકામ શરૂ કરાયું. જોકે નાની સોનગઢ ગામે અલગ અલગ ખેડૂતોની જમીન લાખિયા તળાવ બંધાતા તે જમીન ડૂબ વિસ્તારમાં ગઈ હતી. ત્યારે જે તે સમયે ડૂબ વિસ્તારમાં ગયેલી જમીન સામે જમીન સહિત વળતર આપવાની તત્કાલીન રાજ્ય સરકારે જાહેરાત કરી હતી.જેનો ન્યાય રામાભાઇ ડાભી અને તેમના પરિવારને હજુ મળ્યો નથી.
તળાવમાં જ મરવાની પરવાનગી માગતા રામાભાઇ : 60 વર્ષથી આ મામલે સૌથી વધુ જમીન ગુમાવનારા રામભાઈ ડાભીએ ગ્રામ પંચાયતથી લઇ તત્કાલીન મુખ્યપ્નધાનને રૂબરૂ મળીને, લેખિતમાં પણ રજૂઆતો વારંવાર કરી હતી. ત્યારે આ એક જ કેસ અંગેની ફાઈલો ન હોય તેટલી ફાઈલો રામભાઈ ડાભી પાસે છે. તેમનો 50થી વધારે સભ્યોનો પરિવાર આજે પણ ન્યાયની અપેક્ષાએ તળાવના કાંઠે જ જીવન ગુજારી રહ્યો છે. ત્યારે આજ દિન સુધી આ મામલે કોઈ પણ પ્રકારની પાયારૂપ કામગીરી ન થતા હવે રામભાઈ ડાભી એ તળાવમાં જ મૃત્યુ પામવાની પરમિશન માગી રહ્યા છે.
આ પણ વાંચો Gujarat Budget Session: જંગલ સાચવવા પ્રોજેક્ટને મંજૂરી ન આપી, પણ ગૃહ-ઉદ્યોગોને જમીન દઈ 78 કરોડનો વકરો કર્યો
12 એકર જમીન ડૂબમાં ગઇ છે : આ અંગે રામાભાઈએ જણાવ્યું હતું કે ગામમાં દુષ્કાળની પરિસ્થિતિ દૂર કરવા માટે તળાવ નિર્માણમાં પાયારૂપ કામગીરી કરનારા રામભાઈ ડાભીની 12 એકર જેટલી જમીન લાખીયા તળાવમાં ડૂબ વિસ્તારમાં ચાલી ગઈ હતી. જે તે સમયે જમીન સામે જમીન આપવા સહિત જમીનનું વળતર આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી ત્યારે 60 વર્ષથી પોશીના તાલુકા કચેરીથી લઈ ગાંધીનગર સુધી કેટલીય રજૂઆતો કરાયા બાદ હજુ સુધી કોઈપણ પ્રકારનો સહયોગ ન મળતા હવે પરિવારજનો પણ રોષે ભરાયા છે. ન્યાયની અપેક્ષાએ હજુ પણ 12 એકર જેટલી જમીન મામલે સરકાર સહિત વહીવટી તંત્ર સામે આશાભરી નજરે જોઈ રહ્યા છીએ. અમારો પરિવાર જ્યાં રહે છે ત્યાં પણ 60 વર્ષથી લાઈટ, પાણી, રોડ તેમજ ગટરની પાયારૂપ સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી.
હકનો હિસ્સો મેળવવાની દડમજલ : ગુજરાતની ડબલ એન્જીનની સરકાર આવી છે ત્યારે જનહિતની વાતો કરતા નેતાઓ રામાભાઈ ડાભીની આવી છ છ દાયકાથી ચાલી આવતી સમસ્યાને લઇને કોઇ પ્રતિભાવ આપશે કે કેમ તે કહી નથી શકાતું પરંતુ ગામના પાણીની મુશ્કેલી દૂર કરવા પોતાની જમીનનો મોટો હિસ્સો આપી દેનારા રામાભાઇ ડાભીના હકનો હિસ્સો મેળવવાની દડમજલ પૂરી થશે કે એ તળાવમાં જ મોતને ભેટવાની નોંધ લેવાશે તે તો તંત્રની ઇચ્છાને આધીન જ છે.