સાબરકાંઠા : ગુજરાત સહિત સમગ્ર દેશમાં કપાસનું હબ ગણાતા સાબરકાંઠાના ઈડર સહકારી જીનમાં ડિરેક્ટરો દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયાનું ધ્યાનમાં આવતા સરકાર દ્વારા તમામને પદભ્રષ્ટ કરાયા હતાં. જોકે ભ્રષ્ટાચાર આચારનારા ડિરેક્ટરોએ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી જેને હાઇકોર્ટ ફગાવી હતી.
સરકારે ડિરેક્ટરોને ઘરભેગાં કરેલા: સાબરકાંઠામાં 1962 ૧૯૬૨માં અસ્તિત્વમાં આવેલ સહકારી જીનમાં 2019 થી 2021 સુધી સહકારી જીનના ડિરેક્ટરોએ સહકારી જીન સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ થાય તે પ્રકારના નિર્ણયો કરતાં સ્થાનિક સભાસદ મંડળીઓ તેમજ ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરાયો હતો. જોકે તત્કાલીન સમયે આ મામલે બે વર્ષનો ઓડિટ રિપોર્ટ જાહેર થતાં રાજ્ય સરકારના પગ તળે જમીન ખસી ગઈ હોય તેવો ઘાટ સર્જાતા રાજ્ય સરકારે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર તમામ ડિરેક્ટરોની ઘર ભેગા કર્યા હતાં
ભ્રષ્ટાચાર સામે લડત અપાઇ : ડિરેક્ટરોનો ખુલ્લો ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ પણ હાઇકોર્ટમાં અપીલ કરતા જીન બચાવો સમિતિ સહિત રાજ્ય સરકાર અને ભારતીય કિસાન સંઘે લડત આપી હતી. જેમાં 700 દિવસની લડાઈના અંતે હાઇકોર્ટ દ્વારા વિવિધ 19 જેટલા મુદ્દાઓમાં ભ્રષ્ટાચાર થયાનું ખુલતા હાઇકોર્ટે પણ તમામ ડિરેક્ટરોની માંગ ફગાવતા સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના સહકાર વિભાગમાં ભારે ખળભળાટ સર્જાયો છે. જીન બચાવો સમિતિની લડત આખરે સત્ય સાબિત થતા સ્થાનિક મંત્રીઓ સહિત તમામ સભાસદોમાં પણ ભારે ખુશીની લહેર વ્યાપી છે તેમજ આવા ભ્રષ્ટ ડિરેક્ટરોને આગામી સહકાર વિભાગમાં પણ સ્થાન ન મળે તેવી રજૂઆત કરી છે.
ઇડર સહકારી જીનની અંદર 700 દિવસના અંતે આજે એક લડતનો અંત આવ્યો છે. ભ્રષ્ટાચારીઓ પોતાના બચાવવા માટે કોર્ટ કચેરીના ધક્કા ખાતા હતા અને જીનને એક મોટું નુકસાન કરવા માંગતા હતા.ખેડૂતોના હિતની વાત હાઇકોર્ટ જ્યારે માન્ય રાખી ખેડૂતના હિતમાં નિર્ણય કર્યો છે. હાઇકોર્ટ અને સરકારે આ ખેડૂતોની વાત ગ્રાહ્ય કરી અને સંસ્થાને બચાવવાની એક પ્રવૃત્તિ કરી છે તે બદલ હાઇકોર્ટ અને સરકારનો આભાર માનું છું. જ્યારે સહકારી સંસ્થાની ચૂંટણી આવી રહી છે ત્યારે આવા ભ્રષ્ટાચારીઓના બધાં દૂર રહીએ અને ચેતીએ. ભારતીય કિસાન સંઘ અને જીન બચાવો સમિતિ અને સહકારી સેવા મંડળીઓના પ્રતિનિધિઓનો આ વિજય થયો છે. રાજુભાઇ (ઇડર જીન બચાવો સમિતિ સભ્ય)
22 કરોડનું ભ્રષ્ટાચારી કોમ્પ્લેક્સ: સહકાર વિભાગમાં ભ્રષ્ટાચારીઓની પોલ ખુલતા કલમ 81નો અમલ થતા સમગ્ર સહકાર આલમમાં ફફડાટ વ્યાપ્યો છે. ત્યારે ખેડૂતોના હિત માટે બનાવાયેલી ડિરેક્ટરોની સમગ્ર ટીમ દ્વારા જીનના હિત સામે તેમજ ખેડૂતોના હિત સામે ભારે છેડછાડ કરાયાનું ખુલ્યું છે. જેમાં 22 કરોડનું ભ્રષ્ટાચારી કોમ્પ્લેક્સ મહત્વનું બની રહ્યું છે. સહકાર વિભાગના નિયમો નેવે મૂકી માત્ર સામાન્ય રકમથી લાખો રૂપિયાની દુકાનો પોતાના નામે તેમજ સગાવહાલાંને નામે કરાયાનું સામે આવતા જીન બચાવો સમિતિ સહિત ભારતીય કિસાન સંઘ તેમજ સ્થાનિક સભાસદો દ્વારા ઉગ્ર વિરોધ થયો હતો. જોકે આ મામલે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય તેમજ હાઇકોર્ટ દ્વારા અપાયેલા ચૂકાદાને પગલે હાલમાં ઈડર સહિત સમગ્ર સાબરકાંઠા પંથકમાં ખુશી છવાઇ છે.
જીન બચાવો સમિતિના આગેવાન સતીષભાઈએ નિવેદન આપ્યું હતું કે ઇડર સરકારી જીન લિમિટેડને ગુજરાત સરકાર કલમ 81થી દૂર કરેલી હતી. તે સંદર્ભે આ લોકોએ અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટ એ લોકોની અરજી ને નામજુર કરીને ફગાવી દીધી છે તેથી હાઇકોર્ટ ખેડૂતલક્ષી નિર્ણય અપાવ્યો છે. આ ભ્રષ્ટાચારીઓને દૂર કર્યા છે અને ખેડૂતોને લગતો નિર્ણય અપાવ્યો છે. આ કરોડોની જમીન જે હાઇવે પર આવેલી છેે. આ લોકોએ સહકારી સંસ્થા અને મિલકતો વેચીને પોતાનું ઘર ભરવાનો પ્રયત્ન કર્યો છે અને ખેડૂતોની મિલકતો બચે એના માટે ગુજરાત સરકાર અને હાઇકોર્ટ જે ચૂકાદો આપ્યો છે તેને હું માન્ય રાખું છું અને તે સર્વોપરી છે. સત્યનો વિજય થયો છે અને ખેડૂતોનો વિજય થયો છે, ઇડર સહકારી મંડળીઓની વિજય થયો છે અને કિસાન સંઘનો વિજય થયો છે...સતીષભાઈ પટેલ (જીન બચાવો સમિતિ, ઈડર)
સ્થાનિક સભાસદોમાં પણ ખુશી વ્યાપી : આ મામલે તત્કાલીન સમયે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય તેમજ હાલના તબક્કે હાઇકોર્ટ દ્વારા ઈડર સહકારી જીનના તત્કાલીન ડિરેક્ટરોને ભ્રષ્ટાચાર મામલે તેમની અપીલ ફગાવતા સ્થાનિક સભાસદોમાં પણ ખુશી વ્યાપી છે. સામાન્ય રીતે કોઈપણ અપીલ કે કેસ રાજ્ય સરકાર સહિત હાઇકોર્ટમાં જાય તો સમય નાણાં સહિત જે તે થતો રહેતો નિર્ણય પણ ખોરંભે પડી જતો હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય સહિત હાઈકોર્ટે આપેલો ચૂકાદો સ્થાનિક સભાસદોએ નિર્ણયને વધાવ્યો છે.
સહકારી જીન મામલે હાઈકોર્ટ દ્વારા આ જે નિર્ણય લેવાયો છે તે સાચો નિર્ણય કરવામાં આવ્યો છે. સહકારી જીનની દુકાનોની હરાજી ખોટી રીતે કરાઈ છે. હરાજીમાં આજે હાજર ન હોવા છતાં ખોટી સહીઓ થઈ ગયેલ છે. આગામી સમયમાં જીન અને કપાસનું હિત સચવાયેલું છે.સહકારી જીન ઊંડા ખાડામાં ન જાય અને તે બચે તેવો જે નિર્ણય કોર્ટે લીધો છે તે સાચો નિર્ણય કર્યો છે અને જીનના હિતમાં છે...દીપકભાઈ પટેલ (સભાસદ)
સીધી અસર ચૂંટણીઓમાં દેખાશે : જોકે સહકારી રાજકારણમાં આક્ષેપ પ્રતિઆક્ષેપની સાથે વિવિધ ભ્રષ્ટાચારના મુદ્દાઓ ખુલ્યાં છે. ત્યારે ઈડર સહકારી જીનમાં વિવિધ મુદ્દાઓમાં ભ્રષ્ટાચાર થયાનું ખુલતા તમામ ડિરેક્ટરોને પદભ્રષ્ટ કરાયા છે જેની સીધી અસર આગામી સહકાર વિભાગની તમામ ચૂંટણીઓમાં પડે તો નવાઈ નહીં.
- સાબરકાંઠાના ઇડર જીન કૌભાંડ મામલે જીનના કમિટી સભ્યોને ઝટકો, ખેડૂતોમાં ખુશીનો માહોલ
- હિંમતનગરની સહકારી જીન ખાતે કપાસના ભાવ ન મળતાં ખેડૂતોનો હંગામો
- Sabarkantha Crime : વાવાઝોડાનો લાભ લઈને ઇડરમાં તસ્કોરોએ 11 દુકાનોના તાળા તોડ્યા