બ્યૂટિફુલ અને સ્ટ્રોંગ રોડ હિંમતનગરઃ સાબરકાંઠાના હિંમતનગરમાં અત્યારે એક નિર્માણાધીન રોડ 'ટોક ઓફ ધી ટાઉન' બની રહ્યો છે. આ રોડ નવા બજારમાં ટાવર લાયબ્રેરીથી લઈને ખાડિયા હનુમાન સુધી બની રહ્યો છે. હિંમતનગર પાલિકા દ્વારા આ રોડના નિર્માણમાં અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રોડનું બ્યૂટિફિકેશન એવું છે કે મુસાફરોને શો રૂમનું ભોંયતળિયાનો અહેસાસ થશે.
હાઈ ટેકનોલોજીથી નિર્મિત રોડઃ હિંમતનગરના અત્યંત વ્યસ્ત બજારમાં બની રહેલો આ રોડ એક રોલ મોડેલ રોડ બની જશે તેમાં કોઈ બેમત નથી. આ રોડ બનાવવામાં અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ડેકોરેટિવ કલર હાર્ડનર, એડમિક્સચર વોટર કમ્પોનન્ટ, સ્ટેમ્પ કોંક્રિટ જેવી ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ રોડમાં કેબલ લાઈન, ઈલેક્ટ્રિક લાઈન, વોટર લાઈન, ડ્રેનેજ લાઈન, કોમ્યુનિકેશન લાઈન વગેરે માટે રોડની બંને તરફ ટ્રેન્ચ બનાવવામાં આવી છે. જેથી ક્યારેય પણ સમારકામ કરવાની ઘટના બને તો રોડને તોડવો ન પડે. આ રોડને હેરિટેજ લૂક પણ આપવાની યોજના છે. આ બજારના વેપારીઓ હિંમતનગર નગર પાલિકાના આ સાહસને બિરદાવી રહ્યા છે. નાગરિકો પણ આ રોડ માટે ખૂબ ઉત્સાહી જોવા મળે છે. આ રોડને પરિણામે સમગ્ર નવા બજારનો લૂક બદલાઈ ગયો છે.
હિંમતનગર નગર પાલિકા દ્વારા વર્ષો પૂરાણા આ વિસ્તારને હેરિટેજ લૂક આપવામાં આવી રહ્યો છે. જેના ભાગ રુપે અહીં જે રસ્તો બનાવવામાં આવી રહ્યો છે તે અત્યંત આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવી રહ્યો છે. જેમાં દરેક લાઈનને રોડની બંને તરફ ટ્રેન્ચમાં મુકવામાં આવી છે. જેથી ભવિષ્યમાં રિપેરિંગ કરવાના સંજોગોમાં રોડને તોડવો ન પડે. આ રોડને લીધે આ બજારના વેપારીઓ બહુ ખુશ છે. આ રોડ હિંમતનગરનું નવલું નઝરાણું બની રહેશે...દિકુલ ગાંધી, ચેરમેન, બાંધકામ સમિતિ, કોર્પોરેટર
આ રોડ ફોરેન સ્ટાઈલથી ડિઝાઈન કરવામાં આવ્યો છે. જેમાં બધી જ લાઈનો અન્ડરગ્રાઉન્ડ છે. આ રોડની વિશેષતા એ છે કે આ રોડને કલરફૂલ બનાવવામાં આવ્યો છે. આ રોડ બની ગયાના દસ જ કલાકમાં તેનો ઉપયોગ કરી શકાશે. આ રોડ પર ગમે તેટલો વરસાદ પડે, ગરમી પડે તો પણ 10થી 15 વર્ષ સુધી આ રોડને કંઈ નહીં થાય તેવી રીતે તેની ડિઝાઈન કરવામાં આવી છે...નાથાભાઈ,આર્કિટેક, હિંમતનગર
અમારા બજારનો રોડ પહેલા બહુ ઉબડ ખાબડ અને સાંકડો હતો. આજે આ રોડને લીધે અમારા બજારની રોનક બદલાઈ ગઈ છે. ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ આવો રોડ બની રહ્યો છે. જેનું ડક્ટિંગ ખૂબ જ વિશાળ છે. આ રોડને લીધે ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો થશે. અમે હિંમતનગર નગર પાલિકાનો આભાર માનીએ છીએ...તુષારભાઈ, સ્થાનિક વેપારી, નવા બજાર
- અમરાવતી અકોલા હાઈવે પર વર્લ્ડ રેકોર્ડ ઈવેન્ટનો પ્રારંભ, માત્ર ગણતરીના કલાકમાં બનશે 75 કિમીનો રોડ
- અમદાવાદમાં ટ્રાન્સપોર્ટેશન થશે વધુ સરળ, કેન્દ્ર સરકારે આપી મહત્વની મંજૂરી