સાબરકાંઠાઃતાજેતરમાં આવેલા કમોસમી માવઠાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. વરસાદના કારણે સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતો માટે રવિ સીઝનમાં વ્યાપક સમસ્યા સર્જાઈ હતી. જોકે, આજે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં કોઈ પણ ખેડૂતને કોઈપણ પાકમાં નુકસાન ન થયાનો રિપોર્ટ અપાતા સાબરકાંઠાના વડાલી વિસ્તારના ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.
આ પણ વાંચોMorbi News: મોરબીમાં 7000 જેટલા ખેડૂતોને નથી મળી પાક નુકસાનીના વળતરની સહાય
વરસાદે તબાહી મચાવી હતીઃતાજેતરમાં વાતાવરણમાં ફેરફાર થવાના કારણે કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. એટલે રવિ સિઝનમાં ઘઉં, ચણા, બટાકા સહિત રાઈ જેવા પાકોમાં વ્યાપક નુકસાનની સંભાવનાઓ સર્જાઈ હતી. જોકે, સાબરકાંઠાના વડાલી સહિત વિજયનગર વિસ્તારમાં કરા સાથે વરસાદ થયાના કારણે ઘઉં, ચણા જેવા પાકોમાં વ્યાપક નુકસાન થયું હતું. બીજી તરફ રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયેલો રિપોર્ટ આપ્યો હતો. તેને લઈને સ્થાનિક વિસ્તારમાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.
રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસોઃરાજ્ય સરકાર દ્વારા અપાયેલા રિપોર્ટમાં સર્વે બાદ રિપોર્ટ કરાયાનું ખુલાસો કરાયો છે. જ્યારે સ્થાનિક વિસ્તારમાં વરસાદ થવાથી આજ દિન સુધીમાં કોઈ પણ સરકારી અધિકારી દ્વારા કોઈપણ પ્રકારનો સરવે ન થયા હોવાની વાત સામે આવી રહી છે. એક તરફ ખેડૂતો માટે સરવે બાદ નુકસાન ન થયા સરકારનો દાવો છે. બીજી તરફ સરવે જ ન થયા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ત્યારે હાલમાં આક્ષેપ-પ્રત્યાક્ષેપ વચ્ચે ખેડૂતોનો મહામુલો પાક નાશ થયો હોવા છતાં સરકાર દ્વારા સહાયની જગ્યાએ કોઈ પણ પ્રકારની નુકસાની ન થયા હોવાનો રિપોર્ટ જાહેર કર્યો છે, જે આગામી સમય માટે સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકાર માટે પણ ભારોભાર રોષનું કારણ બને તો નવાઈ નહીં.
પાકોનો સરવે કરાયાનો સરકારનો દાવોઃજોકે, એક તરફ ખેડૂતો દ્વારા વડાલી સહિત વિજયનગરમાં કોઈ પણ પ્રકારનો સરવે ન થયો હોવાની વાત છે. બીજી તરફ સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સુફિયાની વાતો કરતા નજરે પડે છે. સાબરકાંઠા જિલ્લા નાયબ ખેતીવાડી અધિકારી આ મામલે જણાવી રહ્યા છે કે, ખેડૂતોને આંશિક અસર થઈ છે. તેમ જ ઘઉં સહિત બટાકા, ચણા સહિતના પાકોનું સરવે પણ કરાયું છે. જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો નિર્ણય પણ કહી શકાય કે ક્યાંકને ક્યાંક ક્ષતિયુક્ત છે, જેનો ભોગ છેવાડાના ખેડૂત આલમને બનવું પડતું હોય છે.
આ પણ વાંચોUnseasonal Rain : કમોસમી વરસાદે બનાસકાંઠાના ખેડૂતોની ખુશી નારાજગીમાં ફેરવી, ચોતરફ તારાજી સર્જાઇ
ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યોઃજોકે, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યોગ્ય સરવે ન કરાયા હોવાના આક્ષેપ સાથે હવે જગતના તાતને સરકારી રેકોર્ડ પ્રમાણે ભોગવવાનું આવ્યું છે. ત્યારે આ મામલે આગામી સમયમાં વહિવટી તંત્ર દ્વારા કેવા અને કેટલા પગલાં લેવાય છે. તે પણ મહત્વનું બની રહેશે.