સાબરકાંઠાઃ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગત કેટલાક સમયથી બાઈક ચોરીનું વ્યાપક નેટવર્ક ગોઠવાયું હતું. જેના પગલે ઉત્તર ગુજરાતમાં 5 જિલ્લાઓમાં દરરોજ બાઈક ચોરીની ફરિયાદ નોંધાતી હતી. જો કે, આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે આંતર જિલ્લામાં બાઈક ચોરી કરનારી ગેંગની 14 બાઇકો સાથે અટકાયત કરી તમામને જેલના સળીયા પાછળ ધકેલ્યા છે.
સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા તેમજ પાટણ જિલ્લામાં ગત કેટલાક સમયથી જાહેર સ્થળો પરથી બાઇકો ચોરી થવાનું પ્રમાણ વધ્યું હતું. જેના પગલે જિલ્લા પોલીસે આ મામલે ગંભીરતાથી આરોપીઓ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી હતી. જો કે, રાત્રીના સમયે બાઈક ચોરીનું પ્રમાણ વધુ હોવા છતાં કોઈપણ આરોપી સુધી સરળતાથી પહોંચી શકાય તેમ નહોતું.
જેના પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે અમદાવાદ પૂર્વની તપાસ હાથ ધરતા CCTV ફૂટેજ તેમજ બાતમીદારોને કામે લગાડતા રાજસ્થાનની એક ગેંગ છેલ્લા કેટલાક સમયથી બાઈક ચોરીમાં જોડાયેલી હોવાનું સામે આવ્યું હતું. જો કે, કોરોના પોઝિટિવ મહામારી હોવા છતાં બાઈક ચોરીનું પ્રમાણ યથાવત રહેતા જિલ્લા પોલીસે પૂર્ણ ગંભીરતા દાખવી તમામ ટીમોને બાઈક ચોરી પાછળ લગાડતા આખરે સાબરકાંઠા જિલ્લા પોલીસે બાઈક ચોરી કરનારી ગેંગના મુખ્ય 3 આરોપીઓ ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત કરી છે.