સાબરડેરીના ચેરમેન મહેશ પટેલનું રાજીનામું, આગામી 20 ઓગસ્ટે નવા ચેરમેન નક્કી કરાશે - Saberdari
હિંમતનગર: સાબરડેરીમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. નિમણુંક થઇ ત્યારથી વિવાદો અને મુશ્કેલીઓને અંતે ચેરમેનની વરણી હાઇકોર્ટ પહોંચી હતી. જેમાં કોર્ટ કાર્યવાહી ચાલુ દરમ્યાન ચેરમેન મહેશ પટેલે પીછેહટ કરી છે. છ મહિનાને અંતે ચેરમેન પદેથી રાજીનામું આપતા સંઘનો વહીવટ વાઇસ ચેરમેનને સોંપવામાં આવ્યો છે. મહેશ પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યાનું દર્શાવ્યુ છતાં રાજકીય ગતિવિધિ ગરમાઇ છે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા દૂધસંઘમાં ભાજપના નેતાઓ વચ્ચે આંતરીક રાજકીય ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે. તાજેતરમાં દૂધસંઘની ચુંટણી બાદ છેલ્લી ઘડીએ જેઠા પટેલ ચેરમેન બનતા રહી ગયા હતા. ચૂંટણીમાં પેનલથી માંડી સમગ્ર દાવપેચ તૈયાર કરી મહત્વની ભુમિકા ભજવનાર મહેશ પટેલ ચેરમેન બની સર્વેસર્વા થઇ ગયા હતા. ડિરેક્ટર હોવાના સવાલોને લઇ ચેરમેનની નિમણુંકનો વિવાદ છેવટે હાઇકોર્ટ સુધી ગયો હતો.
સાબરડેરી ડેરીના ચેરમેન મહેશ પટેલની નિયુક્તિનો મામલો હાઇકોર્ટમાં શરૂ છે. આ દરમ્યાન અચાનક મંગળવારે મહેશ પટેલે ચેરમેન પદેથી રાજીનામું આપી પીછેહટ કરી છે. સુત્રોએ જણાવ્યુ હતું કે, નિમણુંકના માત્ર છ મહિનામાં મહેશ પટેલનો કાર્યકાળ સમેટાઇ ગયો છે. આથી ચેરમેનનો ચાર્જ હાલ પુરતો વાઇસ ચેરમેનને આપી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, જેઠા પટેલ અને મહેશ પટેલ બંને ભાજપની વિચારધારા ધરાવતા હોઇ મામલો છેલ્લા કેટલાક સમયથી જીલ્લા ભાજપથી માંડી પ્રદેશ ભાજપ સુધી ચર્ચાના અને મંથનના ચકડોળે ચડેલો છે. જો કે, હવે સાબરડેરીના ચેરમેન તરીકે આગામી 30 ઓગસ્ટે ફરીથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ચૂંટણી અધિકારી હાજર રહી ચૂંટણી યોજી નવીન ચેરમેન જાહેર થશે.