હિંમતનગરઃ રાજસ્થાનના આબુરોડથી હોટલમાલિકનું અપહરણનો ભોગ બનેલા એક વ્યક્તિને સાબરકાંઠા જિલ્લા પોલીસે આરોપીઓની ચુંગાલમાંથી સફળતાપૂર્વક છોડાવી લીધો હતો. સાથોસાથ સાત આરોપીઓની કાયદેસર અટકાયત કરી તમામને રાજસ્થાન મોકલી આપ્યાં છે.
ઘટનાની વિગત એવી છે કે, રાજસ્થાનના આબુ રોડથી ગત મોડી રાત્રીએ સાત જેટલા આરોપીઓએ તુલસી હોટલના માલિક સિદિકીનું અપહરણ કર્યું હતું. જોકે રાજસ્થાન પોલીસે મોબાઇલ લોકેશનના આધારે હોટલ માલિકને સાબરકાંઠાની હદમાં લવાયાનું ધ્યાને આવતાં સાબરકાંઠા જિલ્લા પોલીસને આ મામલે વાત કરી હતી. સાબરકાંઠા જિલ્લા પોલીસે તાત્કાલિક ધોરણે પોશીના પોલીસમથક વિસ્તારમાં મોબાઈલ લોકેશન ઝડપાતાં ઘટનાસ્થળને કોર્ડન કરી આરોપીઓની અટકાયત કરી હતી તેમ જ વેપારીને સફળતાપૂર્વક છોડાવી લીધો હતો.