સાબરકાંઠા: ભારતીય સરહદ પર ફરજ બજાવતા જવાનો માટે સાબરકાંઠાના 911 ગામમાંથી 4,500 રાખડીઓ મોકલવાની શરૂઆત સોમવારથી શરૂ કરવામાં આવી છે. જેમાં જિલ્લાના 911 ગામની 4,500 બહેનો દેશની રક્ષા કરતા જવાનોને વિજય સૂત્ર રૂપે રાખડી મોકલશે.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી અંતર્ગત પ્રથમ રાખી દેશ પ્રેમને સાર્થક કરવા માટે ગુજરાતના 18,544 ગામમાંથી બહેનોની પ્રથમ રાખડી દેશના સરહદની રક્ષા કરતા વીર જવાનોને અર્પણ કરવામાં આવશે.
આ અંગે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઝોન ઇન્ચાર્જ બિપીન ઓઝાએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાના 911 ગામના દરેક ગામમાંથી 5 રાખડી મોકલવામાં આવશે. જેથી કુલ રાખડીની સંખ્યા 4,500 થસશે. આ રાખડી કંકુ, ચોખા અને પત્ર સાથે મોકલવામાં આવશે.
દેશના વીર જવાનો પોતાના પરિવારથી દૂર દેશની રક્ષા કાજે તૈનાત છે. જેના કારણે આપણે ઘરે બેસીને તહેવારોની ઉજવણી સારી રીતે કરી શકીએ છીએ. દેશના સૈન્યના આ ઋણને સ્વીકારી દેશની કરોડો બહેનોની પ્રાર્થના દેશના જવાનોની સાથે છે.
આ રાખડી સરહદે મોકલી સૈન્યનું મનોબળ વધારવાની સાથે દેશના દરેક નાગરિકમાં સૈન્ય માટે આદર અને આત્મિયતા કેળવાય તે હેતુ સાથે સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના યુવાઓ આ કાર્ય કરી રહ્યા છે.