સાબરકાંઠાઃ જિલ્લામાં મેલેરિયા જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત વનવાસી વસ્તી ધરાવતા ત્રણ તાલુકા ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીનાના 71 ગામમાં જંતુનાશક દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.
ગુજરાતને 2022 સુધી મેલેરિયા મુક્ત કરવાના ઉદ્દેશ સાથે ચલાવી રહેલા આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને સંયુક્ત નિયામક રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્ર્મ શાખા ગાંધીનગર દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને લઈને જૂન મહિનાને મેલેરિયા માસ તરીકે ઉજવવામાં આવે છે.
જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રાજેન્દ્ર પટેલની સૂચના તથા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજેશ પટેલના માર્ગદર્શન તથા જિલ્લા મેલેરિયા અધિકારીના આયોજનના સંયુક્ત સંકલનથી જૂન મહિનામાં મેલેરીયા રોકવાની પ્રવૃત્તિઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુમાં સાબરકાંઠાના આદિજાતિ વસ્તી ધરાવતા ત્રણ તાલુકા ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીનામાં મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ , ચિકનગુનિયા જેવા રોગોનાં કેસોમાં વધારોના થાય તે માટે વધુ જોખમ ધરાવતા વિસ્તારો તથા બોર્ડરના ગામોમાં જંતુનાશક દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના કુલ 71 ગામોની કુલ 89,301 જેટલી વસ્તી સમાવિષ્ટ છે. આ પ્રકારના રોગોનો ફેલાવો રોકવા માટે ફીવર સર્વે, ટેમિફોસ કામગીરી, સોર્સ રીડક્ષન, મચ્છરદાની વિતરણ તથા ઉપયોગ માટેની આઇ.ઈ.સી, કાયમી મચ્છર ઉત્પતિ સ્ત્રોત માં ગપ્પિ માછલી મૂકવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જો કે, આ અભિયાન અંતર્ગત જિલ્લાના અન્ય ગામડાઓમાં પણ મેલેરિયા સામે કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે.