સાબરકાંઠાઃ જિલ્લાના ઇડરમાં આવેલા પાવાપુરી જલ મંદિર ખાતે છેલ્લા 20 વર્ષથી રહેતા બે જૈનાચાર્યો દ્વારા અમદાવાદ તેમજ સુરતની મહિલાઓ પર થયેલા વ્યભિચારના મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરતા હવે આ મામલે વધુ એક ખુલાસો થયો છે, જેમાં પીડિતાએ વ્યભિચારના મામલે પોતાનું નિવેદન ફેરવી ફરિયાદી જ આરોપી હોય તે પ્રકારનું નિવેદન આપતા પોલીસ પણ અવઢવમાં મુકાઇ છે.
સાબરકાંઠાના ઇડરમાં આશિષ દોશી નામના ટ્રસ્ટીએ બંને જૈનાચાર્ય સામે વ્યભિચારની ફરિયાદ આપી હતી. તેમજ વ્યભિચાર કરાયાની વીડિયો ક્લિપ અને ફોટોગ્રાફ્સ પોલીસને મળતા પોલીસે ફરિયાદ નોંધી નિવેદન લેતા આ મામલે નવો વળાંક આવ્યો છે. જેમાં આરોપીઓનો કોઈ દોષ ન હોવાની વાત કરી ફરિયાદી દ્વારા જ આવું કારસ્તાન કરાવ્યું હોય તેઓ ઘટસ્ફોટ કરતા હવે જૈન સમાજમાં પણ આ મામલે ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા છે.