હીંમતનગર: રાજ્ય સહિત દેશ અને વિશ્વ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. હાલ ગુજરાતમાં 38 કેસ કોવિડ-19ના નોંધાઇ ગયા છે. અમદાવાદ, સુરત, રાજકોટમાં હોસ્પિટલ પણ ખોલવામાં આવી છે. ત્યારે આ તરફ હીંમતનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ કરોડથી વધુના સાધનો ખરીદવામાં આવશે.
જિલ્લા સમાહર્તા સી.જે. પટેલ દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી અને આઇસોલેશન વોર્ડની તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી. આ સાથે સિવિલ હોસ્પીટલના સભા ખંડમાં બેઠક કરી હોસ્પિટલના ડોક્ટરો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
હિંમતનગર સિવિલ હોસ્પિટલ ત્રણ કરોડથી વધુના સાધનોથી સુસજ્જ બનશે સિવિલ હોસ્પિટલમાં ભવિષ્યને ધ્યાને લેતા જરૂરી સાધનો જેવા કે વેન્ટીલેટર, વેન્ટીલેટર સપોર્ટર તથા તેની સર્કીટ જેવા સાધનો વસાવવા માટે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા 25 લાખનુ ફંડ ફાળવવામાં આવ્યું છે.
આ સાથે રોગી કલ્યાણ સમિતિ ભંડોળ દ્રારા અદ્યતન લેબોરેટરીમાં તથા ઇમરજન્સી માટેના સાધનો ખરીદવા માટે ૩ કરોડ રૂપિયાના ખર્ચે નવા સાધન ખરીદવામાં આવશે. સિવિલ હોસ્પિટલ ખાતે 200 બેડ ની વ્યવસ્થા કરવાની સાથોસાથ આરોગ્ય વિભાગને આઇસોલેશનની સુવિધાથી સજ્જ અન્ય બેડની વ્યવસ્થા થાય તે માટે જરૂરી સૂચન કર્યા હતા.