ખેડબ્રહ્માના ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો, સ્થાનિક ધારાસભ્યે સરકાર પાસે કરી વિશેષ પેકેજની માંગ - CM vijay rupani
સાબરકાંઠાઃ જિલ્લાના ખેડબ્રહ્મા તેમજ પોશી વિસ્તારમાં સતત વરસાદના પગલે કપાસનું બિયારણ ઉત્પાદન કરનારા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જેના પગલે સોમવારે સ્થાનિક ધારાસભ્ય અશ્વિન કોટવાલ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવી ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવાની માંગ કરી હતી.
સાબરકાંઠાનું ખેડબ્રહ્મા તેમજ પોશી વિસ્તાર સમગ્ર ભારતમાં કપાસના બિયારણ માટેનું હબ ગણાય છે. જો કે, ચાલુ વર્ષે આ વિસ્તારમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ થતા કપાસનું બિયારણ કરનારા ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે. એક તરફ પાક નિષ્ફળ જઈ રહ્યો છે, તો બીજી તરફ કપાસના બિયારણ માટે હજારો રૂપિયાનો ખર્ચ થતો હોવાથી ખેડૂતો દેવાદાર બની ચૂક્યા છે. સ્થાનિક વિસ્તારમાં સૌથી વધુ વસ્તી વનવાસી હોવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પહેલેથી જ નબળી છે અને તેમાં આ વર્ષે વધુ વરસાદ થવાથી ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. જેથી સોમવારે સ્થાનિક ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભા કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ દ્વારા પ્રાંત કચેરીએ ખેડૂતો સાથે સ્થાનિક પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.