ભાદરવી પૂનમ નિમિત્તે સાબરકાંઠા અરવલ્લી તેમજ બનાસકાંઠાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના મીની અંબાજી ગણાતા ખેડબ્રહ્મા મંદિરેથી એક લાખથી વધારે પદયાત્રીઓએ જગત જનની જગદંબાના દર્શન કરી અંબાજી તરફ પ્રયાણ કર્યુ છે. તેમજ આગામી સમયમાં અંદાજીત 10 લાખથી વધારે માઇભક્તો દર્શન કરી અંબાજી તરફ રવાના થશે. વરસાદી સિઝન હોવા છતાં પદયાત્રીઓ કોઈપણ પ્રકારની પરવા કર્યા વિના આદ્યશક્તિના આશરે ચાલી રહ્યા છે.
સાબરકાંઠાના માર્ગો પર ભક્તિનું ઘોડાપુર ખેડબ્રહ્મા સહિત અંબાજી જવાના તમામ માર્ગો પર પદયાત્રીઓનું કીડીયારું ઊભરાયું હોય તે પ્રકારનો દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. એક તરફ શ્રદ્ધા અને આસ્થાનું ઘોડાપુર ઉમટી હોય તેવા દ્રશ્યો સાથે અરવલ્લીની ગીરીકંદરાઓમાં બોલ માડી અંબે જય જય અંબે તેમજ અંબાજી દૂર છે જાવું જરૂર છે, જયઘોષ સંભળાઈ રહ્યા છે.
અંબાજી જતા પહેલા ખેડબ્રહ્માના આદ્યશક્તિની આરાધના શિશ નમન અને ધજા ચડાવ્યા બાદ અંબાજીમાંમાં જગત જનનીને શીશ ઝુકાવવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોવાના હજારો દાખલા છે. જેના પગલે ખેડબ્રહ્મામાં અત્યાર સુધીમાં 200થી વધારે સંઘ ધ્વજારોહણ કરી અંબાજી તરફ પ્રયાણ કરી ચૂક્યા છે.
એક લાખથી વધારે માઇભક્તો ખેડબ્રહ્મામાં અંબાના દર્શન કરી શીશ ઝૂકાવી ચૂક્યા છે. તેમજ આગામી સમયમાં 10 લાખથી વધારે માઇભક્તો ખેડબ્રહ્મા ખાતે માં જગદંબાના દર્શનાર્થે આવનાર છે. તેમજ આગામી સમયમાં 415 થી વધારે સંઘ અંબાજી તરફ પ્રયાણ કરવાની સંભાવના છે. તમામ ભક્તોને પૂર્ણ સુવિધા મળી રહે તે માટે મંદિર ટ્રસ્ટ તેમજ વહીવટી પ્રશાસન દ્વારા પણ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. મંદિરમાં 22 થી વધુ CCTV કેમેરા સહિત પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.