- સાબરકાંઠામાં કોરોના મામલે ડ્રાય રન યોજાયો
- આઠ તાલુકાઓના 24 જગ્યાઓ પર 600થી વધારે લોકો ભાગીદાર
- તમામ પ્રકારની સુવિધાઓ સાથે તંત્ર સજ્જ
સાબરકાંઠા : જિલ્લામાં તમામ આઠ તાલુકા ઉપર કોરોના વેક્સિન આપવા માટેનો ડ્રાય રન યોજાયો હતો. જે અંતર્ગત 600થી વધારે લોકોને ગતરાત્રે મોબાઈલ મેસેજ કરી તેમના ડોક્યુમેન્ટ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ હાઇસ્કુલ ખાતે હાજર રહેવા જણાવાયું હતું. તેમજ વેક્સિન સેન્ટર ઉપર આવેલા લોકોને કોરોના વેક્સિન આપી શકાય તે માટે ડ્રાય રન કરાયું હતું. જેમાં મોબાઇલ મેસેજથી આવેલા વ્યક્તિને પોતાનો ઓળખપત્ર બતાવી પ્રતીક્ષાલયમાં સમયગાળા બાદ સોફ્ટવેર થકી ઓળખપત્રની ચકાસણી કરવામાં આવે છે.
મેડિકલ ઓફિસર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય પૂરી પાડવા સુધીનુ આયોજન
કોરોના વેક્સિન અપાયા બાદ તેમને ઓબ્ઝર્વેશન રૂમમાં 30 મિનિટ સુધી રાખવામાં આવે છે. જેમાં કોઈપણ વ્યક્તિને સામાન્ય પણ તકલીફ જણાય તો મેડિકલ ઓફિસર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય પૂરી પાડવા સુધીનુ આયોજન કરાયું છે. જેના પગલે તમામ સુવિધાઓ સાથે ડ્રાય રન પૂરો થયો હતો. જોકે ડ્રાય રનમાં ભાગીદાર બનેલા લોકોએ પણ ગુજરાત સરકાર સહિત વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. આ સાથે મેડીકલ ઓફિસરોએ આજના તબક્કે કોઈપણ પ્રકારની ભૂલ થઈ હોય તો તે સુધારી લેવા માટેની કટિબદ્ધતા રજૂ કરી હતી.