- મિની કાશ્મીરમાં પ્રવાસીઓની ઉણપ
- કુદરતના સાનિધ્ય વચ્ચે કોરોનાની અસર
- ચારે તરફ લીલોતરી તેમજ વહેતા ઝરણાનું નજરાણું
- 15મી સદીના જૈન મંદિરોની ભવ્યતા જાળવવા પ્રયાસ શરૂ
- પ્રિ-વેડિંગ ફોટો શૂટ કરનારાઓની સંખ્યામાં ઘટાડો
- સ્થાનિક રોજગારી પણ છીનવાઈ
ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર ગણાતાં પોલો ફોરેસ્ટમાં કોરોના ઈફેક્ટ
સાબરકાંઠા: સમગ્ર ઉત્તર ગુજરાતમાં મિની કાશ્મીર બની ચૂકેલા પોલો ફોરેસ્ટ દિન-પ્રતિદિન લોકપ્રિય બની રહ્યું છે. આ ઉપરાંત 15મી સદીના જૈન મંદિરોની ભવ્યતા પણ હવે વહીવટી તંત્ર દ્વારા ઉજાગર કરવામાં આવી રહી છે. જો કે, કોરોના મહામારીને પગલે સ્થાનિક કક્ષાએ આપવામાં આવેલું લોકડાઉન રોજગારી મેળવવા માટે કપરું સાબિત થયું છે. આ સાથે જ પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરનારાઓ અને ફરવા આવનારાની સંખ્યામાં ઘટાડો થયો છે.
ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર
પોલો ફોરેસ્ટમાં આજની તારીખે પણ લીલાછમ ડુંગરો હરિયાળી તેમજ વહેતા ઝરણા યથાવત છે. આ સાથે જ કુદરતી સૌંદર્ય પણ આજે સચવાયેલી હાલતમાં છે. જેના પગલે કોઈપણ વ્યક્તિના મનને મોહી લે તે પ્રકારના દ્રશ્યો સર્જાઈ છે. જેથી દિન-પ્રતિદિન સમગ્ર ઉત્તર ગુજરાતના લોકો પોલો ફોરેસ્ટની મુલાકાત લઈ રહ્યા છે.
પોલો ફોરેસ્ટમાં કોરોના ઇફેક્ટ
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને પગલે ગંભીર અસરો થઈ રહી છે, ત્યારે સાબરકાંઠાનું પોલો ફોરેસ્ટ પણ મહામારીની અસરથી બાકાત રહ્યું નથી. લોકડાઉન અગાઉ અહીંયા દૈનિક 20થી 25,000 પ્રવાસીઓ આવી રહ્યા હતા, પરંતુ લોકડાઉન બાદ આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. અત્યારે માત્ર ગણ્યા ગાઠ્યા લોકો જ પોલો ફોરેસ્ટની મુલાકાત લઇ રહ્યા છે. જેથી અહીંયાના સ્થિાનીક લોકોની રોજગારી છીનવાઈ છે. જો તંત્ર દ્વારા અનલોકમાં થોડી વધુ છૂટછાટ આપવામાં આવે, તો ફરીથી પોલો ફોરેસ્ટ ધમધની શકે છે.
સુંદરતાની સાથે ભવ્યતા
ગત કેટલાક સમયથી સાબરકાંઠાના વિજયનગરમાં આવેલા પોલો ફોરેસ્ટમાં કુદરતી સૌંદર્યનો ખજાનો ભરેલો છે. અહીં વહેતું જળ, હરિયાળા પહાડો, લીલાછમ વૃક્ષો સહિત પૌરાણિક સ્થાનોનું અનોખું મિલન હોવાના પગલે મુલાકાતીઓ માટે પોલો અનેરા સૌંદર્યનું સ્થાન બની રહ્યું હતું. જો કે, વહીવટી તંત્ર તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત કરાયેલી જગ્યાઓને ફરીથી ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો છે. જેના પગલે 15મી સદીમાં બનાવવામાં આવેલા મંદિરો તેમજ જિનાલયની ભવ્યતા સામે આવી રહી છે. એક તરફ પોલો ફોરેસ્ટની સુંદરતા તો બીજી તરફ 15મી સદીમાં ભારતના ભવ્ય વારસાને ઉજાગર કરનારા મંદિર તેમજ જિનાલયોને ફરીથી જીર્ણોદ્ધાર કરવાના નિર્ણયને પગલે હવે સૌંદર્યની સાથે ભવ્યતાનો નજારો પણ દરેક પ્રવાસી માટે સહજ બની રહેશે. જેના પગલે આગામી સમયમાં પ્રવાસીઓની તેમજ મુલાકાતીઓની સંખ્યા હજુ પણ વધશે તે નક્કી બાબત છે. સ્થાનિક લોકોનું માનીએ તો 15મી સદીમાં બનાવવામાં આવેલા આ જૈન મંદિરોની ભવ્યતા આજે પણ અકબંધ છે. જે તે સમયે ભવ્ય મંદિરોની તોડી પાડવામાં આવ્યા હતા. જેથી મંદિરના ગુંબજ અને અન્ય સામગ્રી આજે પણ ખંડ ખંડ વેરાયેલી હાલતમાં જોવા મળી રહી છે. જેના પગલે પુરાતત્વ વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાલમાં ભવ્યતાની યથાવત રીતે સાચવી રાખવાનો પ્રયાસ પણ આગામી સમયમાં મહત્વનો બની રહેશે.
રોજગારી સહિત પ્રી-વેડિંગ કરનારાઓ મોંઘા
વિજયનગર પોલો ફોરેસ્ટમાં દિન-પ્રતિદિન મુલાકાતીઓ તેમજ પ્રવાસીઓની સંખ્યા વધતાં જૈન મંદિરની ભવ્યતા અને સ્થાનિક સૌંદર્ય સામે આવતા પ્રિ-વેડિંગ કરનારાઓ માટે ઉત્તર ગુજરાતનું પ્રથમ પસંદગીનું સ્થાન બન્યું હતું. જો કે, કોરોના મહામારી તેમજ સ્થાનિક લોકડાઉનને પગલે પ્રિ-વેડિંગ કરનારાઓ ગુજરાતની અન્ય જગ્યાઓ તરફ જવા લાગતા હાલમાં તેઓ મોંઘા બન્યા છે. આ સાથે જ પ્રવાસીઓની સંખ્યા એકદમ ઘટી જવાના પગલે સ્થાનિક લોકોનો રોજગાર છિનવાઈ ગયો છે. જેથી વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક કક્ષાએ વધારે છૂટછાટ આપવામાં આવે તો રોજગારીની વિપુલ તકો ફરીથી નિર્માણ થઈ શકે તેમ છે.