સાબરકાંઠા જિલ્લામાં આજથી એક સાથે છ વેચાણ કેન્દ્રો પર સરકારી ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની વાત કરવામાં આવે તો 40 જેટલા ખેડૂતોને મગફળીના મેસેજ અપાયા બાદ માત્ર થોડા જ ખેડૂતો મગફળી વેચવા એપીએમસી ખાતે આવ્યા હતા.જિલ્લાના અન્ય સ્થળોમાં પણ સ્થિતિ કંઈક આવી હતી.
સાબરકાંઠામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી, ખેડૂતોનો મિશ્ર પ્રતિસાદ - સાબરકાંઠા મગફળી ન્યુઝ
સાબરકાંઠા: સોમવારથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત થઇ છે. જો કે, કમોસમી વરસાદના પગલે ખેડૂતોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જો કે, જિલ્લામાં જેટલા ખેડૂતોને મેસેજ મોકલ્યા તેનાથી અડધા ખેડૂતો પણ મગફળીના વેચાણ માટે આવ્યા નથી.
સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. એમાં ખાસ કરીને મગફળીને તૈયાર પાક વરસાદી માહોલમાં બગાડતા મોટાભાગના ખેડૂતો બેહાલ થઇ ચુક્યા છે. એક તરફ સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાતો કરે છે. બીજી તરફ મગફળી પાકના આટલા દિવસો બાદ પણ ખેડૂતોની હાલત જેસે થે એવી છે. સરકાર આ મુદ્દે સર્વે કરી ખેડૂતોને આર્થિક સહયોગ આપવાની તેમજ મસમોટા વચનો આપે છે. જો કે, ખેડૂતો હવે પોતાની જાતને મગફળીના મુદ્દે સર્વે કરી સહાય આપવાની વાતો ભ્રમણા હોવાનો દાવો કરતા નજરે પડે છે.
ગુજરાતમાં આગામી સમયમાં મગફળી તેમજ ખેડૂતોને મુદ્દે કોઈ મોટું આંદોલન થાય તેવી પૂર્ણ સંભાવનાઓ છે. ત્યારે આ મુદ્દે સરકાર આગામી સમયમાં કેવા અને કેટલા પગલા ભરે છે એ તો સમય જ બતાવશે.