છેલ્લા પાંચ દિવસથી માર્કેટ યાર્ડ ખાતે મગફળી ખરીદવાની શરૂઆત થઈ છે. ઊંચા ભાવ કરવાની સાથે સતત વરસાદમાંથી છુટકારો મળ્યા બાદ, ખેડૂતો એક સાથે મગફળીનો પાક લાવતા હિંમતનગર માર્કેટ યાર્ડ મગફળીથી ભરાઈ ચુક્યું છે, અપૂરતી અને અધૂરી વ્યવસ્થાને પગલે ખેડૂતો છેલ્લા બે દિવસથી ટ્રેક્ટર્સની લાઇન લગાવી પોતાના નંબરની રાહ જોઈ રહ્યા છે, માર્કેટ યાર્ડ સહિત સમગ્ર વહીવટીતંત્ર ખેડૂતોની આ સ્થિતિને પહોંચી વળવા અસમર્થ હોવાને લીધે, ખેડૂતોને કોઈ પણ પ્રકારની સુવિધા ન મળતા ખેડૂતોમાં રોષ પેદા થયો છે.
મગફળી વેચનારા સાબરકાંઠાના ખેડૂતો માટે કપરો સમય
સાબરકાંઠાઃ ચાલુ વર્ષે 150 ટકાથી વધુ વરસાદ થવાના પગલે મગફળી કરનારા ખેડૂતો માટે ઓછા પાકના પગલે ભાવ વધ્યો છે. ત્યારે હાલમાં મહામૂલો પાક વેચવા માટે ખેડૂતોએ હાલમાં હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે રાતા પાણીએ રડવાનો સમય હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે.
ત્રણ દિવસમાં મગફળીનો ભાવ 300થી 400 રૂપિયા તૂટી જતા ખેડૂતોમાં હતાશા જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ટેકાનો ભાવ 1018 કરાયો છે, મગફળીનો પાક ઓછો હોવાના પગલે આ વખતે શરૂઆતથી જ ભાવ 1400થી વધુ રહ્યો હતો. પરંતુ ભાવ ત્રણ દિવસમાં 1050ની આસપાસ થઇ જતા, ખેડૂતોમાં નિરાશ થયા છે. એક બાજુ ચોમાસાની સિઝન દરમિયાન વધુ વરસાદને પગલે પાક ઓછો થયો તો બીજી તરફ માત્ર ત્રણ દિવસની અંદર ભાવમાં ધરખમ ઘટાડો થતા, આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એમાંથી બહાર આવવા માટે રાજ્ય સરકાર સામે વિશેષ પેકેજની પણ માંગ કરાઈ રહી છે.
જોકે રાજ્ય સરકાર દ્વારા મગફળીના ભાવ પહેલેથી જાહેર કરી દેવાયાના પગલે સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો સહાય ન મળવાનું લગભગ નક્કી છે. ત્યારે ખેડુતો વિશેષ પેકેજની આશા સાથે ભાવમાં સ્થિરતા આવે તેવી માગ કરી રહ્યા છે. આ માગ ક્યારે અને કેવી રીતે સંતોષાશે એ તો આવનારો સમય બતાવશે.