- દૂધની વહી નદી
- દૂધ મેળવવા સ્થાનિકોમાં પડાપડી
- પોલીસે મામલો શાંત પાડ્યો
સાબરકાંઠા: હિંમતનગર નજીક ગાંભોઈ ચાર રસ્તા પાસે આજે નેશનલ હાઇવે નંબર 8 ઉપર ખરાબ રસ્તાના પગલે રાજસ્થાનથી ગુજરાતમાં લવાતા દૂધના ટેન્કર પર ડ્રાઈવરે કાબૂ ગુમાવતા હાઈવે ઉપર દૂધ ભરેલું ટેન્કર પલ્ટી ગયું હતું. આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવી રોડ ઉપર વહી જતા દૂધને લેવા માટે પડાપડી કરી રહ્યા હતાં. જો કે, ટેન્કર દૂધથી ભરેલું હોવાના કારણે દૂધ ખાલી ન થાય ત્યાં સુધી ટેન્કરમાંથી દૂધ વહેતું રહ્યું હતું અને સ્થાનિકો પોતાના વાસણોમાં દૂધ ભરી લેવા એકઠા થઈ ગયા હતાં.
દૂધ ભરેલું ટેન્કર પલ્ટી જતાં સ્થાનિકોમાં પડાપડી આ પણ વાંચો:નડિયાદ-મહેમદાવાદ રોડ પર કેરોસીન ભરેલું ટેન્કર પલ્ટી માર્યુ
ખરાબ રસ્તાને કારણે અકસ્માત થયો હોવાની સંભાવના
આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ અકસ્માત ન સર્જાય તે માટે તજવીજ હાથ ધરાઇ હતી. હાઈવે ઉપરથી ટેન્કરને ખસેડવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ટેન્કરના અકસ્માત પાછળનું કારણ શું છે તે જાણી શકાયું નથી, પરંતુ ખરાબ રોડ-રસ્તાના કારણે ટેન્કર ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.
આ પણ વાંચો:ડાંગનાં વઘઇમાં દુધનું ટેન્કર પુલ નીચે ખાબકતા ડ્રાઈવરનું મોત
છેલ્લા એક અઠવાડિયામાં 4 જેટલા મોટા અકસ્માતો સર્જાયા
સાબરકાંઠા નજીક પસાર થતાં નેશનલ હાઈવે નંબર 8 ઉપર 6 લેન રોડ તૈયાર થઈ રહ્યો છે, જો કે, છેલ્લા કેટલાક સમયથી ધીમી ગતિએ ચાલતા કામકાજને કારણે આ વિસ્તારમાં અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. છેલ્લા એક સપ્તાહની અંદર નેશનલ હાઇવે નંબર 8 ઉપર સાબરકાંઠાની સરહદમાં ચાર જેટલા મોટા અકસ્માતો સર્જાયા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે કામ પૂરું થાય તે માટેની મધ્યસ્થતા જરૂરી છે.