- સાબરકાંઠાના હિંમતનગરના મહેરપુરાનો ખેડૂત મધની ખેતીથી થયો ફેમસ
- મધની ખેતી કરી પોતાની યૂનિક પ્રોડક્ટ બજારમાં મૂકી
- ખેડૂતોને પણ વેલ્યુ એડીશન કરવા રજૂઆત
- અન્ય ખેડૂતોને પણ મધની ખેતીમાં જોડાવા આહવાન
સાબરકાંઠા:સામાન્ય રીતે મધની ખેતી કરવા માટે મધમાખી ઉછેર ખુબ જ જરૂરી બને છે, ત્યારે મધમાખીની સંપૂર્ણ જાણકારીની સાથે તેને જરૂરી વાતાવરણ પણ મહત્વનું બની રહેતું હોય છે. જે અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા મહેરપુરા ગામના સલમાન અલી નામના ખેડૂતે મધમાખીને જરૂરી વાતાવરણ અનુસાર જમ્મુ કાશ્મીરથી લઇ કર્ણાટક સુધી અલગ-અલગ સિઝનમાં અલગ અલગ જગ્યાએ મોકલી આપી મધ મેળવવાની શરૂઆત કરી હતી. હાલમાં સલમાન અલીએ પોતાનું મધ અલગ-અલગ ખાનગી કંપનીઓ સુધી પહોંચાડવાની શરૂઆત કરી છે.
મધની ખેતીની સાથે અન્ય ખેતીમાં 20 ટકાથી 200 ટકા સુધી ફાયદો
એક તરફ કૃષિ તેમજ ખેડૂતોની હાલત દિન-પ્રતિદિન કથળતી જઇ રહી છે. આગામી સમયમાં વધારાની આવક મેળવવા માટે મધની ખેતી એ એક નવી દિશા છે. મધની ખેતી કરવા માટે મધમાખીઓ અને દોઢ કિલોમીટરની ત્રિજ્યામાંથી મળતા ફૂલ છોડ ઉપર આધારિત રહેવું પડતું હોય છે. જોકે, કોઈ પણ વ્યક્તિ આ મામલે થોડી સાવચેતી રાખે તો ખૂબ મોટી આવક મેળવી શકે તેમ છે. હાલમાં વિવિધ દેશોમાં મધની વિપુલ માંગ છે, સાથે જ મધ માખીને ખેતરના શેઢે રાખવાથી પરંપરાગત પાકોમાં 20 ટકાથી 200 ટકા સુધીનો ફાયદો મળી રહે છે. જેના પગલે મધમાખીની ખેતી કરવાથી વધારાની આવક મળે તે નક્કી બાબત છે. મધમાખી ઉછેરવા માટે તેના પર સરકારી સહાય પણ ઉપલબ્ધ હોવાના પગલે ખેડૂતો મધની ખેતી થકી આર્થિક રીતે પગભર બની શકે છે.