- સાબરકાંઠાના વડાલીમાં લુંટેરી દુલ્હનથી બ્રાહ્મણ પરિવાર બરબાદ
- 20 દિવસમાં જ દુલ્હન લાખો રૂપિયા લઇ ફરાર
- ગરીબ પરિવાર ઉપર આભ તૂટ્યું
- વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
સાબરકાંઠાઃ વડાલીમાં લગ્ન વાંચ્છુક યુવકો સહિત તેમના પરિવારોને સ્વરૂપવાન કન્યા બતાવી લાખો રૂપિયા ખંખેરવાના કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવે છે. ત્યારે કેટલાક ચોક્કસ દલાલો નવી દુલ્હન બતાવી છેતરપિંડીના વ્યવસાય કરે છે. જોકે આવા ઈસમો વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ દાખલ થાય છે, પણ લેભાગુ દલાલો મોટાભાગે કાનૂનના સકંજામાં આવતા નથી ત્યારે આ વખતે સાબરકાંઠાના વડાલી શહેરના ગરીબ બ્રાહ્મણ પરિવાર પોતાના દીકરાને વરરાજા બનાવી લાખો સ્વપ્ન સજાવી પુત્રવધુ લાવવાની લાલસાએ છેતરાયો છે.
સાબરકાંઠાના વડાલીમાંથી લૂંટેરી દુલ્હનથી બરબાદ થયો બ્રાહ્મણ પરિવાર આ પણ વાંચોઃલગ્ન કરી ઠગ કરનારી લુંટેરી દુલ્હન સહિત 5 આરોપીને જૂનાગઢ પોલીસે ઝડપ્યા
દુલ્હન પાછળ કેટલો ખર્ચ
પોતાના ભાઈને કન્યા લાવી આપવા દલાલો સાથે નાસિક તેમજ સુરત સુધી જઈ કન્યા પસંદ કરી ઘરે લઈ આવ્યા. નવા કપડાં લાવી ગરીબ પરિવારે પોતાના ઘરે બ્રાહ્મણ બોલાવી લગ્ન પણ કરાવી આપ્યા અને દલાલોને એક લાખ 35 હજાર રોકડા તેમજ 44 હજારના દાગીના પણ લાવી આપ્યા હતા. લગ્ન માટે સજાવેલા સ્વપ્ન પુરા કરવા તમામ તૈયારી કરી બની શકે એટલા ખર્ચ કરી સામાજિક નામના પણ મેળવી હતી. જોકે લાખો રૂપિયા ખર્ચીને પુત્રવધુની ખુશી લાંબો સમય ટકી શકી નથી. પુત્રવધુને લાવવા માટે જેટલો સમય લાગ્યો એનાથી પણ ઓછા સમયમાં આવેલી દુલ્હને સમગ્ર પરિવારને દુઃખી કરી પલાયન થઈ છે.
માતાને પારાવાર દુઃખ
પોતાના દીકરાના લગ્ન જલ્દી થઇ જાય તે માટે માતાએ સોની પાસે ઉધાર દાગીના લાવી આપ્યા અને દીકરાના લગ્ન કરાવી દીધા હતા. કન્યા 12 દિવસ સાસરીમાં રોકાયા બાદ સુરતથી ફોન આવ્યો કે,મારી માતા બીમાર છે તો તમે મારી દીકરીને મોકલી આપો બ્રાહ્મણ પરિવાર હોંશે હોંશે દીકરા સાથે સુરત પહોંચ્યો. જોકે એક બાઇક સવાર કન્યાને લઇ રફુચક્કર થઈ ગયો હતો. લાંબા સમય રાહ જોવા છતા કોઈ પત્તો ન લાગતા પરિવારે વડાલી પરત આવી સ્થાનિક દલાલોનો સંપર્ક કર્યો હતો. તેમણે પણ કોઈ જવાબ ના આપતા આખરે બ્રાહ્મણ પરિવારને છેતરાયાનો અહેસાસ થતા વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જોકે ગુજરાતમાં આવા કેટલાય બનાવો થકી દરરોજ લગ્નની લાલચે હજારો પરિવારો બરબાદ થાય છે, તેમજ લુંટેરી દુલ્હન થકી કેટલાય દલાલો લાખો રૂપિયા ખંખેરી ખુલ્લેઆમ સામાજિક સંબંધોનો વેપલો કરી રહ્યા છે. ત્યારે સામાજીક ઠેકેદારો સહિત સ્થાનિક વહીવટીતંત્ર કોઈ ચોક્કસ પગલા ઉઠાવે તે સમયની માગ છે.
આ પણ વાંચોઃજુનાગઢના યુવાનોને લગ્ન કરીને છેતરપિંડી કરનાર લુંટેરી દુલ્હનને જુનાગઢ પોલીસ પકડી પાડી