સાબરકાંઠા : વડાલીમાં છેલ્લાં કેટલાક સમયથી વ્યાજખોરોનો ત્રાસ હોવાની બાબતો પ્રકાશમાં આવતી રહેલી છે. જો કે, સાબરકાંઠા જિલ્લા પોલીસની કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવાના પગલે વધુ એક 30 વર્ષીય યુવકે ઝેરી ગોળી ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યું છે. જેના પગલે હવે સ્થાનિકોમાં ભારે રોષ સર્જાયો છે. જેમાં યુવકે વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભરતા યુવકનો મૃતદેહ પરિવારજનોએ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તેમજ વ્યાજખોરો સામે તાત્કાલિક ધોરણે ફરિયાદ કરવાની માગ કરી હતી.
સાબરકાંઠાના વડાલીમાં વ્યાજખોરોના ત્રાસથી 1 યુવકે આપઘાત કર્યો - suicide news
સાબરકાંઠાના વડાલીમાં વ્યાજખોરોના ત્રાસથી 30 વર્ષીય યુવકે સેલફોસની ગોળી ખાઈ આપઘાત કરી લીધો છે. આ ઘટનામાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી તાત્કાલિક ધોરણે આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
જ્યાં સુધી માગ ન સ્વીકારાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દેતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે મોટાભાગના વ્યાજખોરોની પોલીસ સાથે મિલીભગત હોવાની બાબતો પ્રકાશમાં આવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરવાના પગલે વ્યાજખોરો બેફામ બન્યા છે.
જો કે, આ બેફામ બનેલા વ્યાજખોરો દિન-પ્રતિદિન કેટલાય પરિવારોના મોત બદલ જવાબદાર બને છે. ત્યારે વડાલીમાં આગામી સમયમાં વ્યાજખોરોના વિષચક્રમાં મોતને ભેટેલા યુવકના મૃત્યુ મામલે રાજકારણ કેવું હશે. એ તો આગામી સમય બતાવશે. પરંતુ હાલમાં સમગ્ર જિલ્લામાં વ્યાજખોરોના પગલે વધુ 1નું મોત થતાં આસપાસના વિસ્તારો સહિત પરિવારજનોમાં ભારે શોક વ્યાપ્યો છે. હાલમાં મૃતકના પરિવારની માગને કેટલા અંશે વહીવટીતંત્ર સ્વીકારે છે તે તો હવે સમય જ બતાવશે.