વ્યાજખોરોના ત્રાસથી જેતપુરમાં વધુ એક યુવાને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો રાજકોટ:રાજ્યમાં 100 દિવસમાં વ્યાજખોરોથી મુક્તિ માટેનું અભિયાન ચાલી રહ્યું છે તો બીજી બાજુ રાજકોટના જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. વ્યાજખોરોને પોલીસનો અને કાયદાનો કોઈપણ પ્રકારનો ડર જ ન રહ્યો હોય તેમ લેણદારો પાસેથી મુદ્દલનું અનેકગણું વ્યાજ વસૂલી લીધું હોવા છતાં હજુ ઉઘરાણી કરી રહ્યા હોવાનું ચાલુ જ છે.
વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ:વ્યાજખોરોના ત્રાસથી જેતપુરમાં વધુ એક યુવાને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના હાજી દાઉદ હોસ્પિટલ પાસે રહેતા બસીર બોદર કપડવંજી નામના યુવાને આપઘાતનો પ્રયાસ કરતાં આપઘાત કરનારને સારવાર માટે જેટપુરની સરકારી હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યો છે.
મુદ્દલનું અનેકગણું વ્યાજ:આપઘાતનો પ્રયાસ કરનાર વ્યક્તિએ પોલીસને નિવેદન આપતા જણાવ્યું હતું કે તેણે ચાર વર્ષ પૂર્વે મુનો સીસોદીયા અને અલ્તાફ બાબલા પાસેથી ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેમાં વ્યાજ પેટે આ વ્યાજખોરોએ મકાનનો દસ્તાવેજ કરાવી લીધો છે અને ત્રણ લાખની વ્યાજની રકમની સામે રકમ પેટે નવ લાખ ચૂકવી દીધા હોવા છતાં પણ હજુ તેમના મકાનનો દસ્તાવેજ પરત આપતો નથી અને હજુ વધુ પાંચ લાખ રૂપિયા માંગે છે.
આ પણ વાંચો:Surat Crime સુરતમાં બાઈક ગિરવે મુકી ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરનારા વ્યાજખોરની પોલીસે કરી ધરપકડ
વ્યાજખોરો સામે ફરીયાદ નોંધવા તજવીજ:જેતપુરમાં આઈ.જી.પી. ના યોજાયેલ લોકદરબારમાં ફરીયાદ ન કરવા માટે પણ ધમકી આપેલ હતી અને વ્યાજ પેટે હજુ પાંચ લાખ આપ તેમ જણાવી જાનથી મારી નાંખવાની આજે આ વ્યાજખોરોએ ધમકી આપતા તેઓ અસહ્ય ત્રાસ અને આતંકના ડરથી આ વ્યક્તિએ આપઘાત કરવાનો નિર્ણય લઈ લીધો હતો. જે બાદ સમગ્ર મામલો પોલીસને માલૂમ પડતાં પોલીસે બસીરના નિવેદન પરથી વ્યાજખોરો સામે ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે ખરેખર આવા કિસ્સાઓમાં કોઈ હકીકત બહાર આવશે કે પછી લોકો વ્યાજખોરના ચક્કરમાં પીસાઈ-પીસાઈને આપઘાત કરતાં રહેશે તે તો કાર્યવાહી બાદ જ ખ્યાલ આવશે.
આ પણ વાંચો:વ્યાજખોરો સામે પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 7 દિવસમાં 316ની ધરપકડ
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ વ્યાજખોરોના ત્રાસથી હર્ષ મેરે ચાર દિવસ પૂર્વે આપઘાત કરી લીધો હતો. જેમાં બત્રીસ હજારનો દેવું હોવાનું સુસાઇડ નોટમાં લખેલ હતું. જ્યારે બે દિવસ પૂર્વે રોનક લાઠીગરા નામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો હતો.