રાજકોટ :સૌરાષ્ટ્રના વિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાની જગ્યાની નજીક પાટણના મહારાણી મીનળદેવીએ બંધાવેલ પવિત્ર અને આસ્થા શ્રધ્ધા સાથે જોડાયેલ મીનળવાવ આવેલો છે. આ મીનળવાવ વીરપુર આવતા યાત્રાળુઓના આસ્થાનું પ્રતિક છે. આ વાવને ગુજરાત રાજ્યના પુરાતન વિભાગ દ્વારા રક્ષિત સ્મારક તરીકે તેમજ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવી છે. પરંતુ આ મીનળવાવમાં છેલ્લા કેટલાક સમયથી જાળવણીના અભાવે કચરા ગંદકીના ગંજ જમ્યા છે.
શું છે સમગ્ર મામલો : આ મીનળવાવ પવિત્ર વાવ નહીં પણ જાણે કચરા પેટી બની ગઈ હોય તેમ વાવના અંદરના ભાગમાં કચરો જમા થઈ રહ્યો છે. તેને લઈને વાવમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. તેમજ ગંદકી અને કચરાઓ થતાં તેમજ જાળવણીના અભાવે અહીં પ્રવાસીઓ આ પવિત્ર મીનળવાવની મુલાકાત લેવાનું અને દર્શન કરવાનું ટાળે છે. જેથી જવાબદાર તંત્રે આવી પવિત્ર જગ્યાની યોગ્ય જાળવણી કરી પોતાની જવાબદારી નિભાવે તેવી માંગ ઉઠી છે.
સ્થાનિકોનું શું કહેવું છે : આ અંગે વીરપુર ગામના સ્થાનિક વેપારી આગેવાન રમેશ ગઢીયાએ જણાવ્યું છે કે, માતા મીનળદેવીની વાવ વીરપુર જલારામ ખાતે આવેલી છે. જેને રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. આ મીનળદેવીની વાવની અંદર અઢળક કચરો એકત્ર થઈ ચૂક્યો છે. જે કચરાને સફાઈ કરવા માટે તેમજ આ વાવની ફરતે જાળવણી માટેની જાળીઓ ફીટ કરી દેવામાં આવે તેવી માંગ કરી છે. જેથી આ પવિત્ર વાવની અંદર કચરો ન ફેલાય અને ગંદકી પણ ના વધે એવું જણાવ્યું છે.
બાળક માટે માનતાનું કેન્દ્ર : આ મીનળવાવ વિશેની વધુ વાત કરતાં તેમને જણાવ્યું છે કે, આ જગ્યા એક પવિત્ર જગ્યા છે જે આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર છે. ક્યારે કોઈ નાનું બાળક સ્તનપાન ન કરતું હોય તો બાળકની માતાના બ્લાઉઝની અહીં માનતા કરવામાં આવે છે. જે આસ્થા પ્રમાણે તરત બાળક સ્તનપાન શરૂ કરે છે. તેવી 5 અહી આસ્થા છે અને જ્યારે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે, ત્યારબાદ અહીં બાળકની માતાનું બ્લાઉઝ ચડવામાં આવે છે અને માતાજીના આશીર્વાદ લેવા માટે અહી શ્રદ્ધાળુઓ આવે છે.