સરકારી અનાજમાં ગેરરીતીનો મામલતદારની ટીમે કર્યો પર્દાફાશ રાજકોટ: ઉપલેટાના ભાયાવદર માંથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે, ઉપલેટાના જાગૃત નાગરિક પાસેથી મળેલી બાતમીના આધારે મામલતદાર કચેરી સ્ટાફે ભાયાવદર ગામના ફૂલવાડી વિસ્તારમાં રેડ કરી ઘઉં, ચોખા તેમજ ચણાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા જથ્થાને સીઝ કરીને સરકારી ગોડાઉન ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. આ રેડ બાદ આ જથ્થા અંગેનું કનેક્શન મધ્યાહન ભોજન કેન્દ્રમાં હોવાની માહિતી મળતા ભાયાવદરના એક મધ્યાહન ભોજન કેન્દ્રમાં તપાસ કરતા મધ્યાહન ભોજન કેન્દ્રમાં ચોપડે નોંધાયેલ જથ્થા કરતા ઓછો માલ નીકળ્યો હોવાનું સામે આવ્યું હતું. હાલ ઝડપાયેલા જથ્થા અને તપાસની અંદર ઉપલેટા મામલતદાર તેમજ કચેરી સ્ટાફ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સરકારી અનાજમાં ગેરરીતીનો મામલતદારની ટીમે કર્યો પર્દાફાશ મામલતદારની ટીમના દરોડા: ઉપલેટા મામલતદાર કચેરીના મામલતદાર મહેશ ધનવાણી, અન્ન-પુરવઠા વિભાગના નાયબ મામલતદાર જીતુભાઈ કરંગિયા તેમજ મધ્યાહ્ન ભોજનના ઈનચાર્જ નાયબ મામલતદાર જાગૃતિબેન ડોબરીયા તેમજ કચેરી સ્ટાફ દ્વારા ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામના ફૂલવાડી વિસ્તારમાં રહેતા હાર્દિક ચંદુલાલા ઘેટિયા નામના વ્યક્તિને ત્યાં દરોડા પાડ્યા હતાં. સ્ટાફની તપાસ દરમિયાન અહીંથી આઠ ઘઉંની બોરીઓ, સાત ચોખાની બોરીઓ અને એક ચણાની બોરી અનઅધિકૃત રીતે રાખેલી હોવાનું માલુમ પડ્યું હતું. આમ તેમની પાસેથી કુલ 15 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી સીઝ કરવામાં આવ્યો હતો અને આ જથ્થો ઉપલેટાના સરકારી અનાજના ગોડાઉન ખાતે જમા કરાવવામાં આવ્યો હતો.
સરકારી અનાજમાં ગેરરીતીનો મામલતદારની ટીમે કર્યો પર્દાફાશ મધ્યાહ્ન ભોજન કેન્દ્ર સાથે જોડાયા તાર: આ રેડ બાદ આ જથ્થાનું કનેક્શન ભાયાવદરની કન્યાશાળા ખાતે ચાલતા મધ્યાહ્ન ભોજન કેન્દ્ર સાથે સંકળાયેલ હોવાની જાગૃત નાગરિક દ્વારા માહિતીઓ આપતા મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા ભાયાવદરના મધ્યાહ્ન ભોજન કેન્દ્ર પૈકીના કન્યા શાળાના સંચાલક સોમાભાઈ મકવાણાના કેન્દ્ર પર મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા મધ્યાહ્ન ભોજન કેન્દ્રના અનાજના જથ્થા અંગેની સ્ટોકની ખરાઈ કરતા અપૂરતો સ્ટોક નીકળ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. જેને લઈને સમગ્ર બાબતે મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.
સરકારી અનાજમાં ગેરરીતીનો મામલતદારની ટીમે કર્યો પર્દાફાશ તંત્ર દ્વારા કડક કાર્યવાહીની ખાતરી: તંત્ર દ્વારા ગેરકાયદેસર જથ્થા પર રેડની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ભાયાવદરના સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા આ મામલો રફેદફે કરીને ઢાંક પીછોળા કરવાનો પ્રયાસ કરાયો હતો. આ અંગે સ્ટોક લીધેલ હોવાની ગોળ-ગોળ વાતો કરીને પતાવટ કરવા માટેની પણ ખૂબ મહેનત કરવામાં આવી હતી. જો કે આ સમગ્ર બાબતની અંદર કોઈપણને છોડવામાં નહીં આવે તેમજ કોઈપણ ચમરબંધીને છાવરવામાં નહીં આવે તેવું પણ અધિકારીઓએ જણાવવામાં હતું.
- Unique celebration : રાજકોટમાં 31stની અનોખી ઉજવણી, વિદ્યાર્થીઓએ વસ્ત્રોનું દાન કર્યું
- Rajkot news: જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર ઝડપાયું, 18 લાખના મુદામાલ સાથે ડ્રાઈવરની અટકાયત