સામાન્ય રીતે આપણે નાનાથી લઈને મોટી ઉંમરના લોકોને ડાન્સ કરતા જોયા છે. પરંતુ રાજકોટમાં રહેતા જયદીપ ગોહેલે ડાન્સની દુનિયામાં એક અલગ જ ઓળખ ઉભી કરી છે. જયદીપ દેશનો એક એવો ડાન્સર છે, જે પાણીની અંદર રહીને ડાન્સ કરે છે. તેને આ માટે પોતાના જ ઘરમાં કાચની પેટી બનાવી છે. જેની અંદર પાણીમાં તે ડાન્સની પ્રેક્ટિસ કરે છે. આ સિવાય જયદીપ દેશ-વિદેશમાં પણ પરફોર્મન્સ આપી ચુક્યો છે. જયદીપને હાઇડ્રોમેન તરીકે ઓળખવામાં આવે છે.
મળો રાજકોટના અનોખા હાઇડ્રોમેનને, જે કરે છે અન્ડર વોટર ડાન્સ - gujaratinews
રાજકોટઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી જયદીપ ગોહેલ નામનો યુવાન પાણીની અંદર એટલે કે અન્ડર વોટર ડાન્સ કરે છે. આ યુવાનની ખાસિયત એ છે કે, તે 2 મિનિટથી વધુ સમય સુધી પાણીની અંદર રહીને અલગ-અલગ ગીત પર પરફોર્મન્સ કરે છે.
જયદીપ આ અગાઉ પણ વર્ષ 2015માં ઈન્ડિયા ગોટ ટેલેન્ટમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર સાથે ડાન્સ કરી ચુક્યો છે. આપણે અત્યાર સુધી લોકોને જમીન પર ડાન્સ કરતા જોયા છે. પરંતુ પાણીમાં ડાન્સ કરવો એ ખૂબ જ કઠીન છે, કારણ કે પાણીમાં આપણે સ્થિર ઉભા રહી શકતા નથી. જ્યારે ડાન્સ કરવાનું તો આપણે વિચારી પણ શકીએ નહીં. એવામાં જયદીપ હાલ ઘણા ગીત પર પરફોર્મન્સ કરી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જયદીપ નાનપણથી જ ડાન્સ અને સ્વિમિંગ સાથે જોડાયેલો હતો. પરંતુ તેને કંઈક નવું કરવાની તમન્ના જાગતા શરૂઆતમાં તેણે પોતાના ઘરે પાણીની કાચની પેટીમાં જ ડાન્સ કરવાનું શરૂ કર્યું. હાલ તે પ્રોફેશનલ ડાન્સ પણ પાણીની અંદર કરી રહ્યો છે. સાથે જ જયદિપના સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા ફોલોઅર્સ છે.