રાજકોટ : આવતીકાલે વર્ષનો છેલ્લો દિવસ એટકે કે 31 ડિસેમ્બર છે. ત્યારે 31 ડિસેમ્બરની વિશ્વભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. જેને લઈને રાજકોટની વિરાણી હાઇસ્કૂલ દ્વારા 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી કરવામાં આવી છે. જેમાં આ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બિનજરૂરી નકામા ઘરે પડેલા વસ્ત્રોને એકઠા કરવામાં આવ્યા છે અને આ વસ્ત્રોને જરૂરિયાત મંદ લોકોને આપવામાં આવશે. જ્યારે છેલ્લા 11 વર્ષથી વિરાણી હાઇસ્કૂલ દ્વારા 31 ડીસેમ્બરની અલગ રીતે ઉજવણી કરવામાં આવે છેમ ત્યારે આ વર્ષે 20,000 જેટલા એકઠા થયેલા વસ્ત્રોનું દાન કરવામાં આવશે.
20 હજાર વસ્ત્રોનું દાન કરવામાં આવશે : જ્યારે વિરાણી હાઈસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા રાઠોડ ધ્રુવે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતના ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં ગરીબ લોકોને જરૂરી કપડાં પણ પહેરવા મળતા નથી. એવામાં વિરાણી હાઇસ્કૂલ પરિવાર આ જરૂરિયાતમંદ લોકોને મદદ મળી રહે તે માટે ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીઓએ બિનજરૂરી નકામા ઘરે પડી રહેલા ગરમ વસ્ત્રો એકઠા કર્યા છે. જે રાજકોટના લોહાનગર, મોરબી રોડ, કોઠારીયા સહિતના વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને દાન કરવામાં આવશે. જ્યારે 31 ડિસેમ્બરની લોકો મોજ શોખ કરીને ઉજવણી કરતા હોય છે. એવામાં વિરાણી હાઈસ્કૂલના દ્વારા ગરીબોને વસ્ત્રોનું દાન કરવામાં આવશે અને 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી કરવામાં આવી છે.