- વલસાડમાં કિનારા બચાવ સમિતિએ આપ્યું આવેદનપત્ર
- નારગોલ ખાતે બનનાર પોર્ટનો સ્થાનિકોમાં વિરોધ
- સ્થાનિક માછીમારોની રોજીરોટી છીનવાઈ જવાનો ડર
વલસાડ: ઉમરગામ તાલુકાનાં નારગોલ સહિતના દરિયાની અંદર ફરી એક વખત ગુજરાત સરકારે મહાકાય બંદર નિર્માણ (Port construction) ની જાહેરાત કરી છે. જેને લઈને ઉમરગામ તાલુકાનાં માછીમારો સહિત કાંઠા વિસ્તારનામાં સ્થાનિકો અને ખેડૂતોમાં બંદર નિર્માણ અંગે ભારે વિરોધના સૂર ઉઠ્યા છે. તો બીજી તરફ મીડિયાના માધ્યમથી સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકર બંદરની તરફેણમાં નિવેદનો આપી પોર્ટનું ખાતમુહૂર્ત ટૂંક સમયમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani) કરશે તેવા નિવેદન આપી રહ્યા છે.
ઉમરગામ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું
આગામી દિવસોમાં મુખ્યપ્રધાન (CM) વિજય રૂપાણી (Vijay Rupani) ઉમરગામ તાલુકાનાં કલગામ ગામે મારુતિ વનના ભૂમિ પૂજન માટે પધારનાર છે. બંદરનું ખાતમુહૂર્ત કે જાહેરાત કરવામાં આવે એવા સંભવિત કાર્યક્રમને જોતાં ઉમરગામ તાલુકા કિનારા બચાવ સમિતિ ફરી એક વખત સક્રિય બની છે. ઉમરગામ તાલુકા કિનારા બચાવ સમિતિ (Coast Guard Committee) ના કન્વીનર શૈલેષ હોડીવાલાની આગેવાની હેઠળ ગુરુવારે મુખ્યપ્રધાન (CM) ને સંબોધતુ આવેદનપત્ર ઉમરગામ મામલતદાર (Mamlatdar) ને સુપ્રત કરવામાં આવ્યું હતું.
22 વર્ષથી સ્થાનિક લોકો બંદરનો વિરોધ કરી રહ્યાં છે
સમિતિએ આવેદનપત્રમાં કુલ 09 જેટલા મુદ્દાઓ રજૂ કર્યા છે. જેમાં ઉમરગામ અને નારગોલ દરિયાઈપટ્ટીમાં વસનારા અને માછીમારી કરનાર 30,000 સ્થાનિક લોકો ઉમરગામ-નારગોલ ખાતે આવનાર સૂચિત કાર્ગો પોર્ટનો વિરોધ છેલ્લા 22 વર્ષથી કરતાં આવેલ છે. આ વિસ્તારમાં બંદરની જરૂરીયાત ના હોઈ, આ વિસ્તાર પ્રવાસન ક્ષેત્રે વિકાસ પામી શકે એમ હોવાથી સ્થાનિક લોકો, ખેડૂતો, માછીમારો અને રહેવાસીઓ આ બંદરના પ્રદૂષણને લીધે ભોગ બનવા માંગતા નથી. આ વિસ્તાર માછલીઓનો બ્રિડિંગ વિસ્તાર છે. બંદર આવવાથી મચ્છીની અનેક પ્રજાતી નષ્ટ થશે એટલે ભારત સરકાર અને ગુજરાત સરકારને પોર્ટ નહિ બનાવવાની વિનંતી કરતું આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.