અચાનક સર્જાયેલા આ અકસ્માતમાં રાધાબેન દિલીપભાઈ મારાકણા, રંજનબેન વજુભાઈ મારકણા, રાધાબેન અને શર્મીલાબેન ભુપતભાઈ મારકણા પૂરના પાણીમાં તણાયા હતાં. જેમાં બે મહિલાઓના ડૂબી જવાથી મોત થયા હતાં. જ્યારે ભુપતભાઈ મારકણાનો બચાવ થયો હતો. તેમજ શર્મીલાબેન પૂરના પાણીમાં તણાયા હોવાથી તેમની શોધખોળ ગોંડલ નગરપાલિકાની ફાયર ટીમે હાથ ધરી હતી.
ખડવંથલીથી જસાપર સગાઈમાં જતા પરિવારની કાર પૂરમાં તણાઈ, બે મહિલાનાં મોત
રાજકોટઃ "ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું" આ કહેવત યથાર્થ ઠરાવતી ઘટના ગોંડલ તાલુકાના ખડવંથલી ગામે રહેતા પટેલ પરિવારમાં બની છે. આ ગામના ગોપાલભાઈ મારકણાના પુત્રનું વેવિશાળ જસાપરની યુવતી સાથે નક્કી થયું હોવાથી સવારે પરિવાર હરખભેર જુદી-જુદી ગાડીઓમાં નીકળ્યો હતો. તે દરમિયાન જામકંડોરણા તાલુકાના રામપર ગામ પાસે કોઝ-વે પર પૂરના પાણીનો અચાનક પ્રવાહ વધતા બંને કાર પાણીમાં તણાઈ ગઈ હતી.
આ મામલે ખડવંથલી ગામના સરપંચ મહેશભાઈ કાછડીયા અને પૂર્વ સરપંચ પોપટભાઈ કતબાએ જણાવ્યું હતું કે, ભુપતભાઈ મારકણા છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ સ્થાઈ છે અને જમીન મકાન લે-વેચ તેમજ ડ્રીલીંગનો વ્યવસાય કરી રહ્યા છે. જ્યારે વજુભાઈ, દિલીપભાઈ તેમજ ગોપાલભાઈ સહિતના કૌટુંબિક ભાઈઓ ખડવંથલી ગામે રહી ખેતીવાડી કરી રહ્યા છે. આજે પરિવારની ત્રણ મહિલાઓના મૃત્યું થતાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.
આ અંગે ગોંડલ નગરપાલિકાના ફાયર ટીમના રવિભાઈ મોવલીયાએ જણાવ્યું હતું કે, પુરના ધસમસતા પાણીમાં તરવૈયાઓએ છલાંગ લગાવી બોલેરો જીપમાં ફસાયેલ રાધાબેન તેમજ રંજનબેનના મૃતદેહોને બહાર કાઢ્યા હતાં, જ્યારે શર્મીલાબેનની શોધખોળ શરૂ કરી હતી. સાથે જ NDRF અને અન્ય તાલુકાઓની ફાયર અને તરવૈયાઓની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને મૃતદેહને શોધવાની તજવીજ હાથ ધરી છે.