ઉપલેટાની મોજ નદીએ બે ભોગ લીધા રાજકોટ :ઉપલેટા શહેરના પાટણવાવ રોડ પર આવેલ ભુતડા દાદાના મંદિર પાસે આવેલી મોજ નદીમાં એક દુ:ખદ ઘટના બની છે. ત્યાં ઢોર ચરાવી રહેલા માલધારીની ભેંસ ડૂબી રહી હોવાનું માલૂમ પડતાં એક 17 વર્ષીય બાળક પાણીમાં કુદયો હતો. ત્યાં નજીકમાં બાળકના પિતાના મોટાભાઈ હાજર હતા. આ ભેંસ અને બાળક ડૂબતો હોવાનું જણાતા 51 વર્ષીય વૃદ્ધે પણ તેમને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું. ત્યારે બંનેના ડૂબી જવાથી મોત થયા હોવાનું સામે આવ્યું છે.
મોજ નદીએ બે જીવ લીધા : આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટા શહેરના રબારીવાસ વિસ્તારમાં રહેતા અને માલ ઢોર ચરાવતા 17 વર્ષીય પરેશ ઘેલાભાઈ ભારાઈ ભેંસ ચરાવી રહ્યા હતા. ત્યારે તેમની ભેંસ ડૂબી રહી હોવાનું માલુમ પડતા 17 વર્ષીય બાળક પાણીમાં કુદયો હતો. ત્યારે પાણીમાં આ બાળક ડૂબી રહ્યો હોવાનું નજીક રહેલા તેમના પિતાના મોટાભાઈ અને 51 વર્ષીય ભુપતભાઈ રાણાભાઇ ભારાઈને માલૂમ પડતાં તેઓ પણ પાણીમાં કુદયા હતા. જેમાં પાણીમાં ડૂબી જવાથી બાળક અને બાળકના પિતાના મોટાભાઈ બંનેના મોત થયા છે.
એક જ પરિવારમાં બે મોત : બાળકના પિતાના મોટાભાઈએ નજીકની વાડીમાં કામ કરતા હતા. પાણીમાં ડૂબી રહેલા બાળકને જોઈને તેઓ પણ આ બાળકને બચાવવા માટે પાણીમાં કૂદી ગયા હતા. ત્યારે આ બંને લોકોનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. બંને લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાની આસપાસના લોકોને જાણ થતાં પ્રથમ તેઓ દોડી આવ્યા હતા. બાદમાં સ્થાનિક તરવૈયાઓ તેમજ તંત્રના મદદગારો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી.
મૃતદેહ મળ્યા :આ બનાવને લઈને સ્થાનિક તંત્રને જાણ થતા ઉપલેટા નગરપાલિકા ટીમ તેમજ ઉપલેટા મામલતદાર કચેરી સ્ટાફ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. તેઓએ બંનેના મૃતદેહને શોધી કાઢવા માટેની કામગીરી શરૂ કરી હતી. ત્યારે પ્રથમ 51 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો અને બાદમાં 17 વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બંને મૃતદેહને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ મામલે પોલીસ દ્વારા અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ બનાવમાં એક જ પરિવારના બે વ્યક્તિઓના મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ઉપરાંત સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી છે.
- Rajkot Rain: ઉપલેટાની મોજ નદીમાં ઘોડાપૂર, સોમનાથ મહાદેવને થયો કુદરતી જળાભિષેક
- Rajkot News : રાજકોટની પ્રજા રોડ રસ્તા બાબતે ત્રસ્ત અને કોર્પોરેટરો મોબાઇલમાં વ્યસ્ત