30થી વધુ વકીલોને ઓનલાઈન ફ્રોડનો શિકાર બનાવતા બે ઠગબાજ ઝડપાયા રાજકોટ: થોડા દિવસો પહેલા રાજકોટ રેવન્યુ વકીલોના ખાતામાંથી અચાનક ઓનલાઇન રોકડ ઉપડી જવાની ઘટના સામે આવી હતી. 30થી વધુ વકીલો સાથે આ પ્રકારની ઓનલાઈન ફ્રોડની ઘટના બની હતી. જેને લઈને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે સાયબર ક્રાઇમે બે શખ્સોને ઝડપી પાડ્યા છે, જેની પુછપરછ કરતા ચોંકાવનારા ખુલાસાઓ થયાં છે.
બે આરોપીની અટકાયત: રાજકોટ સાયબર ક્રાઇમના એસીપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, શહેરમાં થોડા દિવસો પહેલા રેવન્યુ વકીલો તેમજ જે પણ લોકો દસ્તાવેજી કામ માટે રજીસ્ટ્રાર ઓફિસે ગયા હતાં તેવા લોકોના બેન્ક એકાઉન્ટ માંથી અચાનક પૈસા ઉપડવા લાગ્યા હતા. આ મામલે રાજકોટ સાયબર ક્રાઈમ મથકમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે પોલીસ દ્વારા ઘટનાને લઈને તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે જે પણ વકીલો દસ્તાવેજ માટે જતા હતા તેમના આધાર કાર્ડનો ડેટા કેટલાક ઈસમો દ્વારા ચોરી કરીને તેના આધારે તેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવામાં આવતા હતા. પોલીસે આ મામલે રાજસ્થાનના બિકાનેરમાંથી બે આરોપીઓની અટકાયત કરી છે.
આખી ગેંગ આ કામમાં સક્રિય: સાયબર ક્રાઇમે જે બે આરોપીઓને ઝડપ્યા છે તેનું નામ કૈલાશ ઉપાધ્યાય અને મનોજ કુમ્હાર નામના ઇસમોનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓએ તેમની સાથે રહેલા ઇસમોને દસ્તાવેજની નોંધણી કરાવવા માટે આવતા બેંક એકાઉન્ટોની વિગત આપી હતી અને આ પ્રકારનો ગુન્હો આચાર્યો હતો. હાલ આ બંને આરોપીઓની પોલીસે અટકાયત કરી છે. તેમજ તેમની સાથે બીજા આરોપીઓ પણ જોડાયેલા છે, જે મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસે લોકોને કરી તાકીદ: પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે, આ આરોપીઓ વકીલોના આધાર કાર્ડના ડેટા સાથે છેડછાડ કરીને તેમના બેન્ક એકાઉન્ટ માંથી ઓનલાઈન નાણા ઉપાડી લેતા હતા. પોલીસે નોંધ્યું છે કે, જે લોકો પોતાના આધાર કાર્ડના બાયોમેટ્રિકને લોક રાખતા નથી, તેના કારણે આ પ્રકારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે, આ ઘટનામાં 30 કરતાં વધારે વકીલો ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા છે.
- સરકારી નોકરી અપાવવાના બહાને લાખોની છેતરપિંડી આચરનારા ભેજાબાજની મોડસ ઓપરેન્ડી
- રાજકોટ જિલ્લામાં સરકારી નોકરીની લાલચ આપી 200થી વધુ યુવકો સાથે કરોડોની છેતરપીંડી