રાજકોટ :આગામી 27 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રમાવાની છે. આજે સાંજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટ આવી પહોંચી હતી. જ્યારે બંને ટીમોને અલગ અલગ હોટલમાં રોકાણ આપવામાં આવ્યું છે. રાજકોટ એરપોર્ટથી બંને ટીમ પોતાની હોટલ ખાતે પહોંચી હતી. જ્યાં ગુજરાતી પરંપરાથી બંને ટીમોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બંને ટીમના ખેલાડીઓને હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. ત્યારે આવતીકાલે 26 સપ્ટેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ નેટ પ્રેક્ટિસ કરે તેવી પણ શક્યતાઓ છે. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિતના સ્ટાર ખેલાડીઓ આવતીકાલે રાજકોટ ખાતે આવશે.
રાજકોટમાં 27 સપ્ટેમ્બરના રોજ ત્રીજી વન-ડે મેચ વન ડે સીરીઝ : ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચની સિરીઝ યોજાઇ રહી છે. જેમાં અગાઉ બે મેચ રમાઈ ચૂક્યા છે. આ બંને મેચમાં ભારતની જીત થઈ છે. એવામાં આ સિરીઝની ત્રીજી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાનાર છે. જેને પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ભારતની ટીમને રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી સૈયાજી હોટલ ખાતે રોકાણ આપવામાં આવ્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમને 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી ફોર્ચ્યુન હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. બંને ટીમો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવી છે. એવામાં આવતીકાલે બંને ટીમો ખંડેરી ગ્રાઉન્ડ ખાતે નેટ પ્રેક્ટિસ માટે જાય તેવી પણ શક્યતા છે.
બંને ટીમનું સ્વાગત : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ રમવાનો છે. આ મેચ 27 તારીખે બપોરે 1:30 વાગ્યાની આસપાસ ખંડેરી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે દર્શકોને 11 વાગ્યાથી જ ખંડેરી સ્ટેડિયમ ખાતે એન્ટ્રી આપવામાં આવશે. રાજકોટમાં રમનારી મેચ 50-50 ઓવરનો હોય જેને લઈને સવારે 11:00 વાગ્યાથી સાંજ સુધી પ્રેક્ષકોનો જમાવડો સ્ટેડિયમ ખાતે જોવા મળશે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેની વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે વન-ડે મેચ રમાનાર છે. ખંડેરી સ્ટેડિયમ ખાતે આંતરરાષ્ટ્રીય મેચ રમનાર હોય જેને લઇને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. દર્શકોને કોઈ અગવડતા ન પડે તે માટે તે પ્રકારની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કડક સુરક્ષા વ્યવસ્થા :સૌરાષ્ટ્ર ક્રિકેટનું ખંડેરી સ્ટેડિયમ રાજકોટ જામનગર હાઇવે ઉપર આવેલું છે. ત્યારે રાજકોટ જામનગર હાઈવે ઉપર ટ્રાફિકજામ ન સર્જાય તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવનાર છે. રાજકોટની ખંડેરી સ્ટેડિયમની પીચની વાત કરવામાં આવે તો આ પીચ ઉપર રનનો વરસાદ હર હંમેશ જોવા મળે છે. એવામાં આ વખતે પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ દરમિયાન બંને ટીમો 300-300 રન પાર કરે તેવી પણ શક્યતા સ્ટેડિયમના સંચાલકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આગામી 27 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે.
- India vs Australia 2nd ODI: ભારતે ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવીને શ્રેણી જીતી, અશ્વિન અને જાડેજાએ 3-3 વિકેટ લીધી
- Ind vs Aus : બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા સામેની જીત બાદ બન્યા 7 રેકોર્ડ, જુઓ રેકોર્ડ એક નજર