ધોરાજીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુના ચશ્મા ફરીવાર ગાયબ રાજકોટ : ધોરાજી શહેરના ત્રણ દરવાજા પાસે આવેલા જાહેર ચોકની અંદર મૂકવામાં આવેલી રાષ્ટ્રપિતાની પ્રતિમાને આવારા તત્વો દ્વારા ફરી એક વખત છનછેડવામાં આવી છે. આ પ્રકારની ઘટના ધોરાજી શહેરમાં પ્રથમ વખત નથી બની, પરંતુ અગાઉ પણ આ પ્રકારની ઘટના બની ગઈ છે. જેમાં ભૂતકાળમાં પણ આવી અભદ્ર કામગીરી કરનાર વ્યક્તિ સામે પગલાં નથી લેવાયા અને તેઓને ઝડપી લઈ શિક્ષાત્મક કાર્યવાહી નથી કરવામાં આવી, જેને કારણે આવારા તત્વોએ આ પ્રકારનું કૃત્ય ફરી એક વખત કર્યું હોવાનું સામે આવ્યું છે.
અસામાજીક તત્વોનો ત્રાસ : ધોરાજીમાં આ પ્રતિમા સાથે અવાર-નવાર આ પ્રકારની ઘટના બને છે. અહીંયાના તોફાની તત્વો દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાના ચશ્માં સાથે છેડછાડ કરી અને ચશ્મા ઉતારી લેવાનું કૃત્ય કરવામાં આવે છે. થોડા સમય પૂર્વે જ મહાત્મા ગાંધીજીના ચશ્મા કોઈએ ઉતારી લીધા હતા. પરંતુ તંત્રએ પહેરાવેલા ચશ્મા ફરી એક વખત ઉતારી દેવાયા છે. આ વિસ્તારની અંદર ઘણા ખરા સીસીટીવી કેમેરાઓ પણ આવેલા છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી. જેના કારણે આવા તત્વો આ પ્રકારનું કૃત્ય કરવાની હિંમત દાખવી લે છે. મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે છેડછાડ કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને આવા ફરીથી બનાવ ન બને તે માટે તંત્રએ પોતે પોતાની જવાબદારી નિભાવી તકેદારી રાખવી જોઈએ તેવી લોકમાંગ છે.
ગાંધીની પ્રતિમા સાથે છેડછાડ : રાજકોટના ધોરાજી શહેરમાં રાષ્ટ્રપિતાની પ્રતિમા પર લાગેલા ચશ્મા આવારા તત્વો દ્વારા ઉતારી લેવામાં આવે છે. મૂર્તિ સાથે છેડછાડ કરી અભદ્ર કૃત્ય કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારનું કૃત્ય પ્રથમ વખત નથી તેવું પણ સામાન્ય જનતા પણ જણાવે છે. આ કૃત્ય થયું ત્યારે મીડિયાના અહેવાલ બાદ તંત્રએ પુનઃ ચશ્મા પહેરાવ્યા હતા. જેમાં ચશ્મા પહેરાવ્યાના થોડા જ સમય બાદ ફરી એક વખત ચશ્મા ગાયબ થઈ ગયા હતા. ત્યારે અહીંયા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઢીલી પડતી હોય તેનો લાભ લઈ આવારા તત્વો આતંક મચાવતા હોય તેવું સ્થાનિકોએ જણાવ્યું છે.
પોલીસ કાર્યવાહી : ધોરાજી શહેરમાં તાજેતરમાં ભાજપના ધારાસભ્ય વિરુદ્ધના પોસ્ટર લાગ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તમામ વિસ્તારોના કેમેરાઓ ચેક કરવામાં આવ્યા હતા તેવું સ્થાનિકોએ જણાવ્યું છે. શંકાસ્પદ લોકોની અટકાયત કરી તેમને પુછતાછ માટે પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવતા હોય છે. ત્યારે ગાંધીજીના ચશ્મા ગાયબ થવાની આવી ઘટના અનેક વખત બની છતાં જવાબદાર પોલીસ કેમ નક્કર પગલાં નથી લેતી તેને લઈને પણ લોકો સવાલો કરી રહ્યા છે.
સ્થાનિક જનતામાં રોષ : આ પ્રકારનું કૃત્ય વારંવાર થાય છે પરંતુ સ્થાનિક પોલીસ કોઈની અટકાયત, પકડ કે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતી નથી. જેનો લાભ લઈ રાષ્ટ્રપિતાની પ્રતિમાની છેડછાડ પર આવારા તત્વોનું બળ દિવસેને દિવસે ચોક્કસપણે વધતું નજરે પડી રહ્યું છે. જોકે આ અંગે ધોરાજીની જનતા પણ પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી તેને લઈને પણ અગાઉ પણ અનેક સવાલ ઉઠાવી ચૂકી છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની ઢીલી નીતિ સાબિત કરી દીધી છે.
- Rajkot News : આ શહેરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપુના ચશ્મા ફરી ચોરાયાં, કોણ કરે છે વારંવાર આવું કૃત્ય?
- Mahatma Gandhi : ધોરાજીમાં ગાંધી બાપુના ચશ્મા ગાયબ, કોણ ચોરી ગયું?