રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટને કોરોના વાઈરસના ટેસ્ટ માટેની 600 અને જિલ્લાને 1200 રેપીડ ટેસ્ટ કીટ મળી છે. જેને લઈને બુધવારથી આ કીટ દ્વારા કોરોનાના શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવશે. આ રેપીડ કીટ મારફતે માત્ર 15 મિનીટમાં જ કોરોના વાઈરસનો સફળ ટેસ્ટ થઈ જાય છે.
આ અંગે સોમવારે રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ મનપા કમિશ્નર દ્વારા એ પણ જાહેર કરવામાં આવ્યું છે કે, જે લોકોને કોરોનાના લક્ષણ હશે તેમનો જ ટેસ્ટ કરવામાં આવશે.
રાજકોટમાં સોમવારે વધુ 2 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ દર્દીઓ પણ જંગલેશ્વર વિસ્તારના રહેવાસી છે. પોઝિટિવ આવેલા કેસમાં એક વૃદ્ધની ઉંમર 65 વર્ષ છે. જ્યારે અન્ય 60 વર્ષની વૃદ્ધાનો સમાવેશ થાય છે.
રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કુલ 41 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમા એક રાજકોટ ગ્રામ્યનો દર્દીનો સમાવેશ થાય છે. રાજકોટમાંથી અત્યાર સુધીમાં 9 કોરોનાના પોઝિટિવ દર્દીને સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે બુધવારથી રાજકોટમાં રેપીડ કીટ દ્વારા કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે.