રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા કોવીડ -19ની મહામારીમાં રાજ્યના નાગરિકોને કોરોના સામે રક્ષણ માટે અનેક પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લાના ઉપલેટા ખાતે હાલ 4 ધન્વંતરી રથ કાર્યરત છે. આ રથ દ્વારા તારીખ 30 સપ્ટેમ્બર સુધીમાં ઉપલેટા તાલુકાના અંદાજે 24,715 લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે.
રાજકોટના ઉપલેટામાં ધન્વંતરી રથ દ્વારા 24 હજારથી વધુ લોકોની આરોગ્યની તપાસ કરવામાં આવી - Dhanvantari Rath
રાજ્ય સરકાર દ્વારા કોવીડ -19ની મહામારીમાં રાજ્યના નાગરિકોને કોરોના સામે રક્ષણ માટે અનેક પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. કોવિડ કેર સેન્ટર, ધન્વંતરી રથ, સંજીવની રથ જેવી અનેક પ્રકારની સુવિધાઓ સાથે લોકોના આરોગ્યની રક્ષા માટે વહીવટીતંત્ર તેમજ આરોગ્યકર્મીઓ ચોવીસ કલાક કાર્યરત છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે હાલ 4 ધન્વંતરી રથ કાર્યરત છે. આ રથ દ્વારા તારીખ 30 સપ્ટેમ્બર સુધીમાં ઉપલેટા તાલુકાના અંદાજે 24,715 લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે.
ધન્વંતરી રથ દ્વારા લોકોના ઘરઆંગણે જઈને તેમની સંભાળ લેવામાં આવે છે. ઉપલેટા ખાતે ધન્વંતરી રથ સાથે સંકળાયેલા ડૉ. રંજનબેન ઊંધાડે રથની કામગીરી વિશે જણાવ્યું હતું કે, ઉપલેટા તાલુકામાં ધન્વંતરી રથ દ્વારા માત્ર આરોગ્ય તપાસની કામગીરી જ નહીં પરંતુ નાની-મોટી સમસ્યા ધરાવતા દર્દીઓને માનસિક સધિયારો પણ પૂરો પાડવામાં આવે છે. રથ મારફતે તપાસેલાં લોકોનાં નામ, ઉંમર તેમજ સરનામાં સહિતનું રજીસ્ટર જાળવવામાં આવે છે. ધન્વંતરી રથની વિશેષ કામગીરી અન્વયે ઉકાળાના પેકેટ ઘરે આપવાને બદલે લોકો તેનું સેવન ચોક્કસપણે કરે તે હેતુસર તાલુકામાં દરેક આંગણવાડી કેન્દ્ર ખાતે ઉકાળો તૈયાર કરી લોકોને ઘરે ઘરે જઈને પીવડાવવામાં આવે છે.
વધુમાં જણાવ્યું કે, દરેક રથમાં કાર્યરત આરોગ્યકર્મીઓ દ્વારા લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શું કરવું, કોરોનાથી કેમ બચવું અને તંદુરસ્તીની સંભાળ કેમ લેવી જેવી તમામ બાબતો વિશે વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવે છે. રથની કામગીરી અન્વયે હોમ આઇસોલેટ વ્યક્તિઓની મુલાકાત લઈ તેમનું ટેમ્પરેચર તપાસી તેમને યોગ્ય સારવાર અર્થે રાજકોટ સુધી રીફર કરી આપવાની કામગીરી પણ કરવામાં આવે છે. ઉપલેટા તાલુકાના વિવિધ ગામોમાં ધન્વંતરી રથની કામગીરીમાં જોડાયેલા ડૉ. રંજનબેન ઊંધાડ સહિત ડૉ.પૂજાબેન કામાણી, ડૉ.મહેશ રાઠોડ, ડૉ.મિતલ ઠુમ્મર, ફોરમ જાગાણી પોતાની ટીમ સાથે ગ્રામ્ય વિસ્તારના લોકોના આરોગ્યની સંભાળ માટે કર્તવ્યનિષ્ઠા સાથે ફરજ બજાવી રહ્યાં છે.