- આગની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ
- શ્રમજીવીઓ અન્ન અને ઘરવિહોણા બની ગયા
- કડકડતી ઠંડીમાં પણ આખી રાત બહાર બેઠા રહ્યા
રાજકોટ : ભાદર નદીના જુના પુલ હેઠળ ઝૂંપડાઓ વાળીને રહેતા શ્રમજીવીઓ કડકડતી ઠંડીમાં ગાઢ નિદ્રામાં સુતા હતા. ત્યારે રાત્રીના 2:30 વાગ્યે ઠંડીને બદલે ગરમાવો જેવું લાગતા નિદ્રામાં પોઢી રહેલ શ્રમજીવીઓ બહાર નીકળીને જોતા ઝૂંપડાઓમાં આગ લાગી હતી. જેથી અન્ય સુતેલા લોકોને પણ જગાડી બહાર કાઢ્યા અને નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી
જેતપુરના જુના ભાદર નદીના પુલ પાસે આવેલ ઝૂંપડાઓમાં આગ લાગી પાંચથી છ ઝૂંપડાઓ બળીને ખાખ
જ્યારે આગની ઘટના અંગેની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ઝૂંપડાઓ કોથળાઓના બનેલ હોવાથી આ કોથળાઓ આગ વાહક હોવાથી આગ તરત જ ફેલાઈ ગઈ હતી. જેથી ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવી લીધો હતો. તેમજ પાંચથી છ ઝૂંપડાઓ તો સાવ બળીને ખાખ થઈ ગયા હતા અને ઝૂંપડાઓમાં રહેલ શ્રમજીવીઓની તમામ ઘરવખરી પણ બળીને ખાખ થઈ ગઈ હતી.
થોડી ઘણી બચત પણ આગમાં ખાખ
આવી કડકડતી ઠંડીમાં શ્રમજીવીઓને માથા પરથી છત છીનવાઈ જતા કડકડતી ઠંડીમાં પણ આખી રાત બહાર બેઠા રહ્યા હતા. એકબાજુ મહેનત મજૂરી કરીને કમાયેલ થોડી ઘણી બચત પણ આગમાં ખાખ થઈ જતા હવે શું કરવું અને ક્યાં જવું તેવો સવાલ આ શ્રમજીવીઓને સતાવી રહ્યો છે.