રાજકોટ:સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં નવી કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે. આ કોર્ટ બિલ્ડિંગમાં એક સાથે 52 જેટલી કોર્ટ બેસશે અને વિવિધ કેસોની સુનાવણી કરશે. આવતા શનિવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડના હસ્તે નવી કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ થશે. જેને લઈને રાજકોટ કોર્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને વકીલોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
Rajkot News: રાજકોટમાં નવી કોર્ટ બિલ્ડિંગનું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કરશે લોકાર્પણ - રાજકોટ નવી કોર્ટ બિલ્ડિંગ
રાજકોટમાં 6 જાન્યુઆરીએ નવી કોર્ટ બિલ્ડિંગનું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ લોકાર્પણ કરશે. આ કોર્ટ બિલ્ડિંગમાં એક સાથે 52 જેટલી કોર્ટ બેસી શકશે.
Published : Jan 3, 2024, 4:51 PM IST
નવી કોર્ટ બિલ્ડિંગની સુવિધાઓ:
- રાજકોટના જામનગર રોડ પર ઘંટેશ્વર ગામ નજીક 56658 ચો.મી. બિલ્ડિંગમાં નવી કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
- 110 કરોડના ખર્ચે 5 માળના આ બિલ્ડીંગમાં અદ્યતન સુવિધાઓ રાખવામાં આવી છે.
- આ કોર્ટ બિલ્ડિંગમાં એક સાથે 52 જેટલી કોર્ટ બેસી શકશે.
- કોર્ટમાં તમામ જજીસ માટે અલગ અલગ ચેમ્બર ઉપરાંત પ્રથમ વખત સેપ્રેટ પાર્કિંગ, લાઇબ્રેરી અને વીડિયો કોન્ફરન્સ હોલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
- સરકારી વકીલો માટે ચેમ્બરો, વકીલો માટે બાર રૂમ, સ્ટાફ તથા અરજદારો માટે કેન્ટીન અને પાર્કિંગ, લેડીઝ જેન્ટસ ટોઇલેટ, સેન્ટ્રલ રેકર્ડ રૂમ, મુદ્દામાલ રૂમ, વિકલાંગો માટે રેમ્પ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
અનેક મુશ્કેલીઓમાંથી મળશે મુક્તિ: રાજકોટમાં જે જૂની કોર્ટ છે તે શહેરના હોસ્પિટલ ચોક ખાતે છે. જ્યારે અહીં ગ્રામીણ કોર્ટ, ફેમિલી કોર્ટ, સેશન્સ કોર્ટ વગેરે હોસ્પિટલ ચોકના અલગ અલગ વિસ્તારમાં હતી. આ વિસ્તાર શહેરની મધ્યમાં આવતો હોવાથી અહીં આવવા જવા માટે વકીલોને ખૂબ મુશ્કેલીઓ પડતી હતી. તેમજ અહીં મર્યાદિત જગ્યા હોવાના કારણે વકીલોને બેસવા માટેની સમસ્યા હતી અને એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં જવું હોય ત્યારે વકીલો માટે તે ઘટના ચેલેન્જ સાબિત થઈ હતી. એવામાં બસ હવે ટૂંક સમયમાં જ રાજકોટના નવી કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવનાર છે. જેને લઇને રાજકોટમાં અંદાજિત 4 હજાર જેટલા વકીલોને આ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.