રાજકોટઃ જિલ્લામાં જસદણ તાલુકાના લીલાપુર ગામમાં કૂવામાંથી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને કુવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. આ મૃતદેહ લીલાપુર ગામમાં રહેતા રામજીભાઇનો હોવાનું સામે આવ્યું છે.
જસદણ તાલુકાના લીલાપુર ગામમાં કૂવામાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો - Fire brigade team
રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાના લીલાપુર ગામે રહેતા રામજીભાઇનો પોતાની વાડીના કુવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને કુવામાંથી બહાર કાઢી જસદણ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જસદણ પોલીસને જાણ કરી હતી.
લીલાપુર ગામે રહેતા રામજીભાઇ કાકડીયા નામના વૃદ્ધ શુક્રવારે રાત્રિના પોતાની વાડીએ ગયા હતા, પરંતુ બીજા દિવસે શનિવારે વાડીએ જોવા નહીં મળતાં પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, ત્યારે કુવા પાસે રામજીભાઈના ચંપલ મળી આવતા શંકાના આધારે વાડીમાં આવેલા 60 ફુટ ઉંડા કુવામાં તરવૈયાની મદદથી તપાસ કરતા તે કૂવામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
જેથી ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢી જસદણ સરકારી હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જસદણ પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતક રામજીભાઇ કાકડીયા છેલ્લા ઘણા દિવસોથી માનસિક બીમારીથી પીડાતા હોવાથી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, આ બનાવની પૂર્ણ તપાસ થયા બાદ આ બનાવનું સાચુ કારણ જાણવા મળશે.